રમત-ગમત, મનોરંજન

ગોરો યુવાન રાહુલ કુમાર “ફોરેનર એકટર” તરીકે “ટેલિવુડ” મા પગદંડો જમાવી રહ્યો છે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  ડાંગ રામુભાઇ માહલા

ડાંગના ડુંગરોમા છે પ્રતિભાઓની ખાણ: વન પ્રદેશમા પાંગરતી પ્રતિભાઓ ભાવિ પેઢી માટે બનશે નવી આશા અને ઉમંગ :

ડાંગનો ગોરો યુવાન રાહુલ કુમાર “ફોરેનર એકટર” તરીકે “ટેલિવુડ” મા પગદંડો જમાવી રહ્યો છે:

ડાંગ જિલ્લો એક્માત્ર અને વિશિષ્ટ જિલ્લો  “The dang” એમજ કહેવામાં આવતો નથી  ટેલેન્ટ અને હુનર ને પરિસ્થિતિ અને સગવડતા ક્યારેય રોકી શક્તી નથી! અહીંયા દેશ વિદેશ અને રાજ્યનું ગૌરવ અને માન સન્માન કે અભિમાન ખૂણે ખૂણે ભરેલું છે;

આહવા; “ટેલિવુડ”ની પોરસ, ચંદ્રગુપ્ત મૌર્ય, ઝાંસી કી રાણી, બેરિસ્ટર બાબુ, અને સ્વરાજ જેવી ઐતિહાસિક સિરિયલોમા ગોરાચટ્ટા બ્રિટિશ સૈનિકની ભૂમિકાઓમા કામ કરતા દેશી કલાકારોમા એક કલાકાર ડાંગનો પણ છે એમ કહું તો કદાચ અતિશયોક્તિ લાગે. પણ વાત છે સો ટચના સોના જેવી, એકદમ સાચી. 

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની શિક્ષણ કોલોનીમા રહેતા યુવાન રાહુલ કુમારે ઉક્ત સિરિયલોમા કામ કરીને “હમ ભી કિસી સે કમ નહિ” એ સાબિત કરી દેખાડયુ છે. 

ડીડી નેશનલ માટે તૈયાર થઈ રહેલી “સ્વરાજ” ટેલી સીરિયલમા બ્રિટિશ સોલ્જરનો રોલ અદા કરી રહેલા રાહુલ કુમારે આહવાની દીપદર્શન સ્કૂલ તથા સરકારી માધ્યમિક સ્કુલમા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈ, ઉત્તર ગુજરાતના પાટણ સ્થિત ઇજનેરી કોલેજમાંથી સિવિલ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી છે. 

રૂપેરી પડદાની ઝાકમઝોળથી આકર્ષાઈને એક્ટિંગ, અને ફેશન મોડેલિંગના ક્ષેત્રે પદાર્પણ કરનાર રાહુલે, સને ૨૦૧૮ મા સોની ટીવીની પ્રસ્તુતિ એવી “પોરસ” સિરિયલમા “ફોરેનર એકટર” તરીકે ભૂમિકા ભજવી હતી 

ગોરોચટ્ટો વાન ધરાવતા રાહુલની “પોરસ” બાદ આવા જ પ્રકારના ઐતિહાસિક પાત્રો માટે પસંદગી થવા પામી, અને એક પછી એક એમ ચંદ્રગુપ્ત મૌર્ય, ઝાંસી કી રાણી, બેરિસ્ટર બાબુ, સ્વરાજ જેવી ટીવી સિરિયલોમા નાના મોટા રોલ મળતા રહ્યા. 

ગત વર્ષે યોજાયેલ મીસ્ટર એન્ડ મિસિસ ગુજરાત ફેશન શો-૨૦૨૦ કોન્ટેસ્ટમા ભાગ લઈ ચૂકેલા રાહુલે, ધ અમેઝિંગ મોડેલ ફેશન શો કોન્ટેસ્ટમા પણ ભાગ લીધો છે. 

તાજેતરમા જ “સ્વરાજ” ના પ્રોમોનુ શુટિંગ કરવા સાથે યુ ટ્યુબ પર DRS ટેલિફિલ્મ્સ ચેનલ માટે વિડીયો સોંગ્સનુ શુટિંગ કરીને આવેલા રાહુલને એક્ટિંગ અને મોડેલિંગ સાથે ટ્રાવેલિંગ, જિમ, ક્રિકેટ અને રીડિંગ નો પણ શોખ છે. 

સુપર સ્ટાર અક્ષય કુમારને રોલ મોડેલ માનતા રાહુલ કુમારે સ્વપ્ને પણ વિચાર્યું ન હતુ, કે તે એક દિવસ અહીંયા સુધી પહોંચી શકશે. બાળપણમા માત્ર ૧૨ વર્ષની વયે જ પિતા સુરેશભાઈ પવારની છત્રછાયા ગુમાવી ચૂકેલા રાહુલ ઉપરાંત તેના અન્ય ત્રણ ભાઈ બહેનોને તેની માતા સુભદ્રાબેને ખૂબ જ તકલીફો વેઠીને ઉછેર્યા છે. ડાંગ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામા વર્ગ-૪ની જોબ (તેમના પતિનુ ચાલુ નોકરીએ મૃત્યુ થતા રહેમરાહે મળેલી જોબ) કરતા સુભદ્રાબેન પવારે તેના ચારે સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવીને કાબેલ બનાવ્યા છે. ચાર સંતાનોમા રાહુલ સૌથી નાનો છે. તેના બે મોટા ભાઈઓ પૈકી એક ભાઈ ધર્મેશ એમ.બી.બી.એસ. ડોકટર છે, બીજો ભાઈ સતિષ સિવિલ એન્જીનીયર છે, તો બહેન દક્ષા આરોગ્ય શાખામા ફિમેલ હેલ્થ વર્કર તરીકે જોબ કરી રહી છે. રાહુલે પણ સિવિલ ઇજનેરની ડીગ્રી મેળવી છે. 

શિક્ષણને સફળતાની સીડી બનાવનાર રાહુલ તથા તેના પરિવારનુ સ્પષ્ટપણે માનવુ છે કે, મહેનત અને સંઘર્ષ થી ચોક્કસ જ સફળતા મળી શકે છે. બસ ધીરજ ધરીને સતત પ્રયત્નો કરતા રહેવુ જોઈએ. “હિંમતે મર્દા, તો મદદે ખુદા” એ ઉક્તિને હમેશા યાદ રાખવી જોઈએ. 

રાહુલની પ્રતિભા અને ક્ષમતા જોઈને ચોક્કસ જ કહી શકાય કે ડાંગના ડુંગરાઓમા પ્રતિભાઓની ખાણ છે. અહીં એક એકથી ચઢિયાતા કલાકાર કસબીઓ તેમના કૌશલ્યનો પરચો દેખાડી રહ્યા છે. વન પ્રદેશમા પાંગરતી આ નવી પ્રતિભાઓ ભાવિ પેઢી માટે ચોક્કસ જ નવી આશા અને ઉમંગ બની રહેશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है