રાષ્ટ્રીય

ડાંગના આંગણે યોજાઇ રહેલા ‘ડાંગ દરબાર’ની તારીખ અને તવારીખ: 

સને ૧૯૪૮મા ડાંગનુ ભારતમા વિલીનીકરણ થયુ. તેમ છતા "ડાંગ દરબાર" પ્રતિવર્ષ ભરવાની પ્રથા આજદિન સુધી ચાલુ:

ડાંગના આંગણે યોજાઇ રહેલા ‘ડાંગ દરબાર’ની તારીખ અને તવારીખ: 

આહવા: પ્રત્યેક ડાંગીજનની નસ નસમા વ્યાપ્ત “ડાંગ દરબાર”ની શાહી સવારી આહવાના આંગણે પધારી રહી છે, ત્યારે ઇતિહાસના પાનાઓ ઉપર અંકિત ‘ડાંગ’ અને ‘ડાંગ દરબાર’ની તારીખ અને તવારીખ ઉપર, નજર ફેરવવી પ્રાસંગિક લેખાશે.

ઈ.સ.૧૮૪૨ સુધી ડાંગમા ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે એટલે કે સને ૧૮૪૨મા, ડાંગના જંગલના પટા બ્રિટીશરોએ મેળવ્યા. આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા. જેના બદલામા ભીલ રાજાઓને કેટલાક આબકારી હક્કો, હળપટ્ટીના રૂપમા જમીન મહેસુલ, પશુધન માટે ઘાસચારાની તથા બીજી પેશ્વાઈ ભથ્થાની વાર્ષિક રકમ, બ્રિટિશરો તરફથી રાજાઓને મળતી.

આ અછળી રકમ, દર વર્ષે રાજવીઓ, નાયકો, અને તેમના ભાઉબંધોને ડાંગી પ્રજાજનોનો ‘દરબાર’ ભરીને, બ્રિટિશ હુકુમત તરફથી આપવામા આવતી. આ ‘દરબાર’ યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો, ભાઉબંધો, અને તેમની પ્રજા એક જ છત્ર નીચે એકત્ર થાય, અને બ્રિટિશ સત્તા માટે તેમના મનમા સદભાવના અને વ્યવહારભાવના કેળવાય તે હતો.

એક સદી પહેલા યોજાતા ‘દરબાર’ ના પ્રસંગો ખુબ જ વિશિષ્ટ રીતે ઉજવાતા. રંગબેરંગી પોશાકોમા સજ્જ રાજવી પરિવાર, ભાઉબંધો, નાયકો, બે થી ત્રણ દિવસો સુધી અહી પડાવ રાખીને રહેતા, અને મેળામા મ્હાલતા. બ્રિટિશ પોલીટીકલ એજન્ટના હાથે સાલિયાણુ મેળવવુ એ ઘણુ માનભર્યું સમજતા. ઈ.સ. ૧૮૭૬/૭૭મા રાણી વિક્ટોરિયાનો ભારતના મહારાણી તરીકે રાજ્યાભિષેક થયો, તે વખતે ધૂળિયા (હાલનુ મહારાષ્ટ્ર)મા દરબાર યોજાયો હતો. ત્યાર પછી પીપળનેર, પીપ્લાઈદેવી, અને શિરવાડામા પણ દરબાર યોજવાનો ઉલ્લેખ જોવા મળે છે. સને ૧૯૦૦ના મે માસમા વઘઈ ખાતે પણ દરબાર યોજાયો હતો. આ દરબાર મા રાજવીઓને શિરપાવ અપાતો. નાયકો, ભાઉબંધો અને પોલીસ પટેલોને પણ જંગલમા લાગતી આગ નિવારણની કામગીરી સાથે બીજા સારા કામો માટે બક્ષીસો અપાતી.

સને ૧૯૧૦મા પીમ્પરીના નાયકને જંગલ ખાતાની ઉપયોગી સેવાઓ બદલ એક બંદુક બક્ષિસમા આપવામા આવી હતી. તેજ વરસે સારી જાતના પાક ઉત્પાદન માટે પણ કેટલાક પોલીસ પટેલોને ચાંદીના કડા બક્ષીસરૂપે આપવામા આવ્યા હતા. સને ૧૯૧૧મા ચિંચલી-ગડદના નાયકને બ્રિટિશ સરકાર પ્રતિ વફાદાર રહેવા બદલ સોનાની વીંટી (અંગુઠી) આપવામા આવી હતી. સને ૧૯૧૩ના ‘ડાંગ દરબાર’મા ખુબ જ મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. તે વખતે ગાઢવી, પિંપરી, દહેર, ચિંચલી, કિરલી, અને વાસુરણાના રાજાઓ, તથા ગાઢવી રાજ પરિવારના એક વયોવૃદ્ધ વડીલને “દિલ્હી દરબાર” તરફથી ખાસ “ચંદ્રકો” પણ એનાયત કરાયા હતા.
સને ૧૯૧૪મા ડાંગના ભીલ રાજાઓએ બ્રિટિશ હુકુમત સામે બળવો પોકાર્યો હતો. સને ૧૯૧૫મા બળવામા ભાગ લેનાર રાજા, નાયકોને દંડ કરાયો હતો. જયારે જેમણે આ બળવામા ભાગ લીધો ન હતો તેમને ચાંદીના ઘરેણા, અને રોકડ રકમ આપવામા આવી હતી. ત્યારબાદ પ્રતિવર્ષ “ડાંગ દરબાર” વિનાવિઘ્ને ભરવામા આવતો હતો.

સને ૧૯૩૫મા ભરાયેલો ડાંગ દરબાર વિશિષ્ઠ પ્રકારનો હતો. આ દરબારને “રૌપ્ય મહોત્સવ” તરીકે ઉજવવામા આવ્યો હતો. આ દરબારમા રોકડ રકમ સહીત શિરપાવની પણ વહેંચણી કરાઈ હતી. સને ૧૯૪૭ સુધી ત્રણ વખત “ડાંગ દરબાર” આહવા ખાતે યોજાયો હતો. સને ૧૯૪૮મા ડાંગનુ ભારતમા વિલીનીકરણ થયુ. તેમ છતા “ડાંગ દરબાર” પ્રતિવર્ષ ભરવાની પ્રથા ચાલુ રહી.

સને ૧૯૫૪ થી મુંબઈ સરકારે રાજાઓ, નાયકો, અને ભાઉબંધોને પેશગી આપવાની પ્રથામા ફેરફાર કરી, તેમના મૂળ હકોના બદલામા તેમને વંશપરંપરાગત “પોલીટીકલ પેન્શન” (રાજકીય પેન્શન) આપવાનુ શરુ કર્યું. જે પરમ્પરા આજદિન સુધી ચાલી રહી છે. સને ૧૯૫૪ થી આજદિન સુધી આહવા ખાતે જ “ડાંગ દરબાર” યોજાતો આવ્યો છે.

સને ૨૦૨૦મા “કોરોના”નો પ્રવેશ ભારત દેશમા થતા ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારોહમા પ્રતિવર્ષ પધારતા રાજ્યપાલશ્રી આવી શક્યા ન હતા. માત્ર પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કોરોનાની હદેશત વચ્ચે સમારોહ આયોજિત કરાયો હતો. સને ૨૦૨૧મા ફરી એક વાર “કોરોના”નો ડોળો “ડાંગ દરબાર”ને ડરાવી ગયો હતો. ભાતીગળ લોકમેળો રદ થવા સાથે પોલીટીકલ પેન્શન પણ કલેક્ટરશ્રીની ચેમ્બરમા ખુબ જ સાદગીપૂર્ણ રીતે અર્પણ કરાયુ હતુ.

ડાંગ દરબાર શરુ થાય તે પહેલા એકાદ સપ્તાહ અગાઉથી જ બજાર/હાટ, મેળો ભરાવાનુ શરુ થાય છે. ડાંગના પ્રજાજનો અહીંથી રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. રંગ પંચમી પછી દરબારની ભીડ, અને હોળીનો ઉત્સાહ ઓસરતો જાય છે. પરંતુ આ તહેવારના મીઠાસભરી સ્મૃતિઓ આખુ વર્ષ લોકમાનસ ઉપર છવાયેલી રહે છે.

રામાયણનું દંડકારણ્ય એટલે આજનો ડાંગ જિલ્લો. ભગવાન શ્રી રામચંદ્રજી અને શબરીમાતાની મુલાકાતની દંતકથા સાથે જોડાયેલા શબરીધામ, અને પંપા સરોવર સહિત સમગ્ર ડાંગ પ્રદેશનો ઉલ્લેખ, મહાભારતકાળની ધટનાઓ સાથે પણ થતો રહ્યો છે.

હજ્જારો વર્ષોની સાંસ્કૃતિક વિરાસત કાળના ગર્ભમાં ધરબીને બેઠેલા ઐતિહાસિક ડાંગ જિલ્લાની ડાંગી પ્રજા ખૂબ ઝનૂની હોવા સાથે માયાળુ, અને અતિથિ દેવો ભવની ઉચ્ચત્તમ ભારતીય સંસ્કૃતિના આદર્શને વરેલી છે. તીર કામઠા જેનુ મુખ્ય શસ્ત્ર હતુ તેવી મૂળ ડાંગી આદિવાસી પ્રજા, અને ડાંગ પ્રદેશની ચોથ ઉધરાવવાની જવાબદારી ઇ.સ.૧૬૬૪માં, શિવાજી મહારાજે ડાંગની સરહદે આવેલા બાગલાણ પ્રદેશના સાલેર-મૂલ્હેરના (હાલનું મહારાષ્ટ્ર) પેશવાને સોંપી, અને સાલેરના કિલ્લાની રખેવાળી પોતાના સરદાર ત્રિમાલને સોંપી હોવાના ઉલ્લેખ જોવા મળે છે. મરાઠાઓ વચ્ચે પેશવાની ગાદી માટે ખેંચતાણ શરૂ થઇ ત્યારે, ડાંગ સહિત આસપાસના ભીલ તથા અન્ય આદિવાસી પ્રજાજનોએ ટોળકીઓ બનાવી લૂંટફાટ શરૂ કરી હતી. તેમના આ ઉપદ્રવને નાથવા માટે ઇ.સ.૧૭૫૧માં શ્રી દામાજી ગાયકવાડે આદિવાસી આગેવાનોને કેટલીક જમીન ઇનામમાં આપી. ઇ.સ.૧૭૭૦માં ગાયકવાડ સરકારના પ્રતિનિધિ શ્રી ગોવિંદ વાસુદેવ, અને તેમના પત્નિ ગહિનાબાઇ નિયમિતપણે ડાંગ પ્રદેશમાં વાટાધાટો માટે આવતા જતા રહેતા હતા. તે વખતે ડાંગના ભીલ રાજાઓએ હાથગઢ (મહારાષ્ટ્ર)ના કિલ્લામાં તેમને કેદ કર્યા હતા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભીલ રાજાઓ અતિ બળવાન બની ગયા હતા. ડાંગ પ્રદેશ એ વખતે બળવાખોરોની ભૂમિ તરીકે ઓળખાવા લાગી હતી.

ડાંગ પ્રદેશ ઉપર પેશવાઇ કાળ દરમિયાન અનેક મુસલમાન સત્તાઓ આવી, અને ગઇ. ઇ.સ.૧૮૧૮માં બિ્રટિશરોએ ડાંગમાં પ્રવેશીને ભીલ રાજાઓ, તથા ડાંગી પ્રજાને નમાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. બિ્રટિશરોએ અહીંની પ્રજાને ભરપૂર અનાજ આપીને લાલચ આપવાના પ્રયાસો કર્યા. ઇ.સ.૧૮૫૭ના બળવાની અસર પણ આ નાનકડા ડાંગ પ્રદેશ ઉપર પણ થાય તેમ હતી.

બ્રિટિશ શાસકો ડાંગના અતિ કિંમતી એવા સાગના ઇમારતી જંગલો તરફ આકર્ષાયા હતા. બ્રિટિશરોના મનસૂબા પાર પાડવામાં અડચણરૂપ લાગતા ડાંગના ભીલ રાજાઓ, અને પ્રજાનું નામોનિશાન મીટાવવા માંગતા બિ્રટિશરોના રાજમાં અહીં અનેક હુલ્લડો થયા. છેવટે સને ૧૯૪૨/૪૩માં ડાંગનું જંગલ ડાંગી રાજાઓ પાસેથી પટ્ટે લેવાનું બ્રિટિશરોએ નક્કી કર્યું, અને ભીલ રાજાઓને તે વખતે વાર્ષિક બાર હજાર, બસોને ત્રીસ (રૂા.૧ર,ર૩૦/-) આપવાનું ઠરાવાયુ. સને ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. આઝાદી બાદ રાજાઓના વહિવટદાર તરીકે અહીં મામલતદાર-કમ-રાજા દફતરના દિવાન ફરજ બજાવતા. આ અધિકારી રાજાઓના વાલી તથા સંરક્ષક ગણાતા. તેમના નાણાંકિય વ્યવહારો પણ આ જ અધિકારી મારફત થતા.

સને ૨૦૨૩ના ડાંગ દરબાર સાથે ડાંગના પાંચ રાજવીશ્રીઓ (૧) શ્રી કિરણસિંહ યશવંતસિંહ (ગાઢવી રાજ) ને વાર્ષિક રૂ.૨,૩૨,૬૫૦/-, (૨) શ્રી છત્રસિંગ ભવરસિંગ (આમાલા રાજ) ને વાર્ષિક રૂ.૧,૭૫,૬૬૬/-, (૩) શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી (વાસુર્ણા રાજ) ને રૂ.૧,૪૭,૫૫૩/-, (૪) શ્રી તપતરાવ આનંદરાવ પવાર (દહેર રાજ) ને રૂ.૧,૫૮,૩૮૬/- તથા (૫) શ્રી ત્રિકમરાવ સાહેબરાવ (પીંપરી રાજ) ને રૂ.૧,૯૧,૨૪૬/- સહિત નવ નાયકો અને ૪૪૩ ભાઉબંધોને કુલ વાર્ષિક રૂ.૬૩,૩૪,૦૭૩ મળી, કુલ રૂપિયા ૭૨ લાખ, ૩૯ હજાર, ૫૭૪નું પોલિટિકલ પેન્શન એનાયત થઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है