રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ નો કાયદો અને તેની વિવિધ જોગવાઇઓનો હાર્દ જાળવવો ખૂબજ જરૂરી..કમિશ્નરશ્રી માહિતી આયોગ

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વહિવટમાં પારદર્શિતા જળવાઇ રહે તેવા હેતુસર અને નાગરિકોને કેન્દ્ર સ્થાને રાખીને અમલી બનેલ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ નો કાયદો અને તેની વિવિધ જોગવાઇઓનો હાર્દ જાળવવો ખૂબજ જરૂરી છે – ગુજરાત માહિતી આયોગ કમિશ્નરશ્રી અમૃતભાઈ પટેલ.
————-
અરજદારને શક્ય તેટલો વહેલો અને સમય-મર્યાદામાં જવાબ/માહિતી મળી રહે તે જોવાની ખાસ હિમાયત
————-
ગુજરાત માહિતી આયોગની વેબ સાઇટ http://gic.gujarat.gov.in ની સમયાંતરે મુલાકાત થકી જરૂરી અધ્યયન સાથે સુસજ્જતા કેળવવા કમિશ્નરશ્રીનો ખાસ અનુરોધ
————-
જિલ્લા પ્રસાશન દ્વારા આયોજિત બેઠકમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની વિવિધ જોગવાઇ અંતર્ગત સરળ અને વિસ્તૃત જાણકારી સાથે અપાયું ઉંડાણપૂર્વક – તલસ્પર્શી ઉપયોગી માર્ગદર્શન;
————-
તાપી  :- માહિતી કમિશ્નરશ્રી અમૃતભાઈ પટેલે આજરોજ તાપી જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે તાપી કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.દિનેશકુમાર કાપડિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી,પ્રાંત અધિકારી હિતેશ જોષી,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડિયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય રાય, જાહેર માહિતી અધિકારીશ્રીઓ અને પ્રથમ અપીલ અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના “ટીમ તાપી” ના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે માહિતી અધિકાર અધિનિયમ અંગેની બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રસાશન દ્વારા આયોજિત બેઠકમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની વિવિધ જોગવાઇ અંતર્ગત માહિતી કમિશ્નરશ્રી પટેલે સરળ અને વિસ્તૃત જાણકારી સાથે ઉપયોગી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વ્યારા ખાતે યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા ગુજરાત માહિતી આયોગના કમિશ્નરશ્રી અમૃતભાઈ પટેલે કહયું હતું કે, વહિવટમાં પારદર્શિતા જળવાઇ રહે તેવા હેતુસર અમલી બનેલ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ને નાગરિકોને કેન્દ્રમાં રાખીને બનાવાયેલ આ કાયદો અને તેની વિવિધ જોગવાઇઓનો હાર્દ જાળવવો ખૂબજ જરૂરી છે, જેથી અરજદાર જો અભણ હોય તો કચેરીના કર્મચારીઓએ તેને માહિતી અધિકાર હેઠળની અરજી કરવામાં મદદ કરવી જોઇએ તેવો ભારપૂર્વકનો તેમણે અનુરોધ કર્યો હતો.
માહિતી કમિશ્નરશ્રી અમૃતભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અરજદારને શક્ય તેટલો વહેલો અને સમય-મર્યાદામાં જવાબ/માહિતી મળી રહે તે ખૂબજ જરૂરી છે. ફક્ત “ભારતના નાગરિક” ને માહિતી માંગવાનો અધિકાર આપવામાં આવેલ છે. જાહેર સત્તામંડળમાં સમાવિષ્ટ થતો હોય તેવી તમામ કચેરીઓએ પોતાની કચેરીની તમામ માહિતી દર્શાવતું પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નિયત નમૂનામાં દર વર્ષે અદ્યતન કરી કચેરીના નોટીસ બોર્ડ પર અને વેબસાઇટ પર બહોળી રીતે પ્રસિધ્ધ કરવું ફરજીયાત છે. આને લીધે કચેરી વધુ કાર્યક્ષમ બની શકશે. હાલના ડિજીટલાઇઝેશનના વ્યાપ અંતર્ગત કચેરીનું તમામ રેકર્ડ ડિજીટલી પ્રાપ્ય હશે તો જે તે કચેરીની કામગીરી ખૂબ સરળ બની રહેશે.
અમૃતભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, કાયદામાં “જાહેર સંત્તા મંડળ” ને સંબોધીને અરજી કરવા જણાવાયેલ હોઇ, એક કરતાં વધુ “જાહેર સત્તા મંડળો” ને લગતી અરજી હોય તો અલગ-અલગ સત્તા મંડળને તબદીલ ન કરતાં અરજદારશ્રીને જુદા જુદા સત્તા મંડળોને અલગ-અલગ અરજી કરવા માટે જાણ કરવા, અરજદારની “લાઇફ અને લિબર્ટી” સંબંધી માહિતી, નમૂના-ક ની અરજી પરત્વેની માહિતી નકારવાની થાય તો તે નકારવા અંગેના કારણો અને તે સંબંધિત કાયદાની કલમનો પણ તેમાં ઉલ્લેખ કરવો ફરજીયાત છે. ત્રાહિત વ્યક્તિને લગતી માહિતી હોય તો તેની નિયત કાર્યપધ્ધતિ અંગેની જોગવાઇ કલમ-૧૧ માં કરાયેલ છે, જેમાં દિન-૫ માં ત્રાહિત વ્યક્તિની સંમતિ લેવાની હોય છે.
માહિતી કમિશ્નર અમૃતભાઈ પટેલે પ્રથમ અપીલ અધિકારીશ્રીઓની જવાબદારી સમજાવતાં ઉમેર્યું હતું કે, જો પ્રથમ અપીલની કક્ષાએ અરજદારને યોગ્ય ન્યાય અપાય તો બીજી અપીલ માટે અરજદાર અને માહિતી આયોગના સમય અને નાણાંનો બિનજરૂરી વ્યય અટકાવી શકાય છે. પ્રથમ અપીલનો નિર્ણય-૩૦ દિવસની સમય-મર્યાદામાં કરવો ફરજીયાત હોવાનું જણાવતાં પટેલે આ બાબતે વધુમાં વધુ ૪૫ દિવસ સુધીમાં પ્રથમ અપીલનો નિર્ણય કરી શકાય તેમ ઉમેર્યું હતું અને સદરહું વિલંબ માટેના કારણો પ્રથમ અપીલના હુકમમાં દર્શાવવા ફરજીયાત છે. માહિતી આયોગમાં અરજદાર ૯૦ દિવસની સમય મર્યાદામાં બીજી અપીલ કરી શકે છે. કલમ-૧૮ માં ફરિયાદ અને કલમ-૧૯ માં અપીલની કરાયેલી જોગવાઇ સંદર્ભે જરૂરી માર્ગદર્શન થકી ફરિયાદ અને અપીલ વચ્ચેના ભેદની પટેલે જરૂરી સમજ આપી હતી.

માહિતી અધિકારની વિગતો ગુજરાત માહિતી આયોગની વેબ સાઇટ http://gic.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. વેબ સાઇટની મુલાકાત થકી જરૂરી અધ્યયન સાથે આ અંગે સુસજ્જતા કેળવવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. સાથે પોલીસ વિભાગની કામગીરી પણ બિરદાવી હતી.
પ્રારંભમાં જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ “ટીમ તાપી” તરફથી મુખ્ય માહિતી કમિશ્નરશ્રી અમૃતભાઈ પટેલનું શાબ્દિક સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં. તેમણે તમામ અમલીકરણ અધિકારીઓને પોતાનું રેકર્ડ અદ્યતન કરી સ્કેન કરી ઓનલાઈન કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ પંચાયત વિભાગના તમામ અધિકારીઓને રેકોર્ડ ડીજીટલાઈઝ કરી અપડેટ કરવા અનુરોધ કર્યો હતો. બેઠકના અંતે નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ “ટીમ તાપી” ને કાયદાકીય જોગવાઇઓ સંદર્ભે ઉંડાણપૂર્વક-તલસ્પર્શી જાણકારી અને માર્ગદર્શન પુંરૂં પાડવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है