
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વઘઈ પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં ૧૧ માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક કે. આર. ડીમરીની રાહબરી હેઠળ વઘઈ પોલીસે હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં છેલ્લા ૧૧ માસથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ના રોજ વઘઈ તાલુકાના દરડી ગામ ખાતે બનેલી ઘટનાને પગલે વઘઈ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીની ધરપકડ માટે નામદાર કોર્ટમાંથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૭૨ મુજબ વોરંટ મેળવવામાં આવ્યું હતું.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી આરોપીની સતત શોધખોળ હાથ ધરી હતી. લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને શોધી કાઢવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવવામાં આવી હતી. અંતે પોલીસને સફળતા મળી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત મુજબ, ફરિયાદી સોમીબેન રામચંદભાઈ રતનભાઈ પવાર (ઉંમર ૫૦ વર્ષ), રહે. દરડી ગામ, આંગણવાડી ફળિયું, તા. વઘઈના ઘરે ભોગ બનનાર બિપીનભાઈ ગમનભાઈ ગામીત હાજર હતા. તે દરમિયાન કુકડનખી ગામના જુલ્ફભાઈ જલુભાઈ (આવજુભાઈ) પવાર ત્યાં આવ્યા હતા. જમતી વેળાએ બોલાચાલી ન કરવા તેમજ આમ-તેમ ભટકવા અને રખડવાની બાબતે સમજાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
આ બાબતે આરોપી અને બિપીનભાઈ વચ્ચે બોલાચાલી તથા ગાળાગાળી થઈ હતી. બાદમાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે રહેલી કુહાડી વડે બિપીનભાઈના માથાના પાછળના ભાગે, ગરદન તેમજ ડાબા કાનના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે સોમીબેન પવારે વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. સતત ૧૧ માસ સુધી ચાલેલી તપાસ અને શોધખોળ બાદ વઘઈ પોલીસને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિક સ્તરે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.


