
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ભારતીય હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદની રેડ એલર્ટ ચેતવણી જાહેર:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તા. ૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૦૩ કલાકે આગામી ૨૪ કલાક માટે ડાંગ સહિત ગુજરાતના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિ ભારે (Extremely Heavy Rain) વરસવાની સંભાવના વ્યક્ત કરતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ચેતવણી તા. ૦૬ જુલાઈ, ૨૦૨૬ના બપોરે ૩:૦૩ કલાક સુધી અમલમાં રહેશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે આગામી ૨૪ કલાક દરમિયાન ખૂબ જ સાવચેત રહે, બિનજરૂરી મુસાફરી ટાળે તેમજ નદી, નાળા, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળે. ભારે વરસાદને કારણે પાણી ભરાવા, વૃક્ષો પડવા તથા માર્ગ અવરોધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
ખેડૂતો, વાહનચાલકો તથા પ્રવાસીઓને ખાસ તકેદારી રાખવા તેમજ હવામાન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો નજીકના તાલુકા વહીવટીતંત્ર, પોલીસ, ફાયર સર્વિસ અથવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.



