
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા પશુપાલકો માટે ચોમાસાની ઋતુ દરમ્યાન પશુઓનું વ્યવસ્થાપન વિષય પર જામલાપાડા ગામ ખાતે વિશેષ તાલીમ અપાઈ:
દિનકર બંગાળ, આહવા: પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, વધઈ દ્વારા ડાંગ આહવા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ના સયુંકત ઉપક્રમે “ચોમાસાની ઋતુ દરમ્યાન પશુઓનું વ્યવસ્થાપન” વિષયક તાલીમ કાર્યક્રમ તારીખ ૨૦ જુલાઈ, ના રોજ ગામ-જામલાપાડા (રંભાસ), તાલુકા- વઘઈ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ તાલીમમાં કુલ ૫૬ પશુપાલકોએ ભાગ લીધો અને પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી.
કાર્યક્રમની શરૂઆત ડો. એસ. બી. કાપડી (પશુચિકીત્સા અધિકારી) દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. ડૉ. મહેશકુમાર પી. માઢવાતર (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન પશુ રહેઠાણનું વ્યવસ્થાપન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. ઉત્સવભાઈ એસ. સુરતી, (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા ચોમાસાની ઋતુ દરમ્યાન પશુ સ્વાસ્થ્યની જાળવણી માટેના પગલાઓ વિસ્તૃત રીતે સમજાવાયા હતા.
તાલીમના અંતે, ડો. ઉત્સવભાઈ એસ. સુરતી, ડૉ. મહેશકુમાર માઢવાતર અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા ઉપસ્થિત પશુપાલકો પાસેથી પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટ તથા પશુના પોષણ માટે અતિ આવશ્યક મિનરલ મિક્ષ્ચરનુ વિતરણ પણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે.
આ સમગ્ર કાર્યક્રમ ડો. ઉત્સવભાઈ એસ. સુરતી અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા, ડૉ. એમ. એમ. ઇસ્લામ (હેડ, પી.વી.કે.) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી) તથા ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.


