દક્ષિણ ગુજરાત

ડાંગના જામલાપાડા ગામના સાહસિક મહિલા દક્ષાબેન બિરારી બન્યા આત્મનિર્ભર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ 

ડાંગના જામલાપાડા ગામના સાહસિક મહિલા દક્ષાબેન બિરારી બન્યા આત્મનિર્ભર:

PMEGP યોજના હેઠળ હળદર પ્રોસેસિંગ યુનિટ સ્થાપી વાર્ષિક રૂ ૧.૨૫ કરોડથી વધુની આવક મેળવી:

દિનકર બંગાળ, આહવા: દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વરોજગાર માટેના નાના ઉદ્યોગો તેમજ પરિયોજનાઓ શરૂ કરી, રોજગારીની તકો ઊભી કરવાના હેતુથી સરકાર દ્વારા ‘વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ’ (PMEGP) અંતર્ગત આર્થિક સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે. વિખરાયેલા પરંપરાગત કારીગરો તેમજ ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને સંગઠિત કરી, તેમને સ્થાનિક સ્તરે જ રોજગારી પૂરી પાડી શહેરો તરફનું સ્થળાંતર અટકાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં કુટીર ઉદ્યોગ હસ્તકની આવી જ એક યોજનાની સફળતાનું ઉદાહરણ જામલાપાડા ગામના વતની દક્ષાબેન બિરારીએ પૂરું પાડ્યું છે. વઘઇ તાલુકાના આ મહિલા સાહસિકે PMEGP યોજના હેઠળ સહાય મેળવી ‘અંબિકા હળદર પ્રોસેસ યુનિટ’ની સ્થાપના કરી છે. આ યુનિટની મશીનરી માટે તેમને બેંક દ્વારા રૂપિયા ૧૨,૮૫,૦૦૦/- નું ધિરાણ પ્રાપ્ત થયું હતું. જેમાં સરકાર તરફથી રૂપિયા ૪,૪૯,૭૫૦/- ની સબસિડી મળવાપાત્ર થઈ હતી.

આજે દક્ષાબેન હળદર પ્રોસેસિંગ યુનિટ સાથે અન્ય પ્રાકૃતિક ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ દ્વારા આશરે ૩૦ જેટલી મહિલાઓ અને સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. આ વ્યવસાય થકી તેઓ વાર્ષિક આશરે રૂપિયા ૧,૨૫,૦૦,૦૦૦/- કરોડ જેટલી માતબર આવક પણ મેળવી રહ્યા છે.

પોતાની સંઘર્ષગાથા વિશે દક્ષાબેન જણાવે છે કે, તેમણે શરૂઆતમાં માત્ર પાંચ કિલો હળદરના વેચાણથી શરૂઆત કરી હતી. વ્યવસાય અંગે પૂરતું જ્ઞાન ન હોવાથી તેઓ ‘મિશન મંગલમ’ (ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.) માં જોડાયા હતા. ત્યાં મળેલી ઉદ્યોગ સાહસિકતાની તાલીમ બાદ તેમને માર્કેટિંગમાં મોટો ફાયદો થયો. અંબિકા હળદર ફાર્મમાં હળદર પેકિંગ ઉપરાંત, ગામડામાંથી એકત્ર કરાયેલા અનાજ-કઠોળની સાફ-સફાઈ, દાળ બનાવવી અને તેનું પેકેજીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. આ સાથે તેઓ ઘરે નાગલીની પાપડી બનાવીને પણ વેચે છે. સાપુતારા, નાસિક અને સુરતથી આવતા પ્રવાસીઓમાં તેમના ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. સરકારની સબસિડી અને સાધન સહાય મળતા તેમની સાથે સખી મંડળની બહેનોને પણ મોટો આર્થિક ફાયદો થયો છે.

જામલાપાડા ગામની બહેનો હવે પોતાના ગામમાં જ સ્વરોજગારી મેળવી રહી છે. દક્ષાબેનને આ કાર્યમાં તેમના પતિ અને બાળકોનો પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. હાલમાં તેઓ સ્થાનિક પેદાશોના વેચાણ દ્વારા સારી આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની પેદાશોને પ્રાધાન્ય આપી તેમણે સ્થાનિક લોકોને ઘરબેઠાં રોજગારી પૂરી પાડી ‘આત્મનિર્ભર ભારત’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મહિલાઓ કૌશલ્યના આધારે આર્થિક રીતે સશક્ત બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે PMEGP યોજનામાં આવકની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી. ઉત્પાદન ક્ષેત્રમાં રૂપિયા ૧૦ લાખથી વધુ અને વ્યાપાર/સેવા ક્ષેત્રમાં રૂપિયા ૫ લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થાપવા માટે લાભાર્થીએ ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ કરેલું હોવું અનિવાર્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है