મારું ગામ મારાં ન્યુઝ

‘સ્વચ્છ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’નો સંદેશ: અંજનકુંડ ખાતે અધિકારીઓથી વિદ્યાર્થીઓ સુધી સૌ સફાઈમાં જોડાયા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

‘સ્વચ્છ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’નો સંદેશ: અંજનકુંડ ખાતે અધિકારીઓથી વિદ્યાર્થીઓ સુધી સૌ સફાઈમાં જોડાયા

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવાસન સ્થળને કરાયું પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ:

દિનકર બંગાળ, આહવા: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજરોજ તા. ૨૭ સપ્ટેમ્બર ‘વિશ્વ પ્રવાસન દિન’ નિમિત્તે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવા તાલુકાના અંજનકુંડ ગામે મહા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશનના મંત્રને ચરિતાર્થ કરતાં તેમજ ડાંગ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવાના સંદેશ સાથે યોજાયેલ આ સફાઈ અભિયાનમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, વનકર્મીઓ, ગ્રામજનો અને કોલેજના વિદ્યાર્થીઓ મળી કુલ ૫૦૦થી વધુ લોકો જોડાયા હતા. સૌએ સાથે મળીને અંજનકુંડથી ધોધ સુધીના ૧.૫ કિ.મી. વિસ્તારમાં સાફસફાઈ હાથ ધરી સમગ્ર પર્યટન સ્થળને સ્વચ્છ અને સુંદર બનાવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઇ પટેલે સમગ્ર જિલ્લાને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સૌ નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. તેમણે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ પોતાની આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારે જણાવ્યું હતું કે, ‘વિશ્વ પ્રવાસન દિન’ નિમિત્તે ડાંગ જિલ્લાનું પ્રવાસન સ્થળ અંજનકુંડ સ્વચ્છ અને સુંદર બને તે હેતુથી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો જોડાયા છે. અંજનકુંડથી ધોધ સુધીના આશરે ૧.૫ કિ.મી. વિસ્તારમાંથી પ્લાસ્ટિકની બોટલો, રેપર્સ, ખાદ્ય પદાર્થોનો કચરો વગેરે એકત્રિત કરી સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવવામાં આવ્યું છે.

કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રાકૃતિક અને પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક કે ગંદકી ન ફેલાવવી જોઈએ. ડાંગની પ્રાકૃતિક સુંદરતા અને પવિત્રતા જાળવી રાખવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો સ્વચ્છ રહે અને પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે જરૂરી છે.

દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક નીરજકુમારે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને સ્વચ્છ બનાવી પ્રવાસીઓ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

આ સફાઈ અભિયાનના માટે કુલ ૮ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં બિરસા મુંડા ટીમ, શહીદ ભગતસિંહ ટીમ, મંગલ પાંડે ટીમ, મહાત્મા ગાંધી ટીમ, નેતાજી સુભાષચંદ્ર બોઝ ટીમ, રાણી લક્ષ્મીબાઈ ટીમ, સરદાર વલ્લભભાઈ પટેલ ટીમ અને ચંદ્રશેખર આઝાદ ટીમનો સમાવેશ થાય છે. આ ટીમો દ્વારા અંજનકુંડ, નદી તેમજ ધોધ વિસ્તારમાંથી કચરો એકત્રિત કરીને સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો. પર્યટન સ્થળોની સ્વચ્છતા જાળવવી એ માત્ર વહીવટી તંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિક અને સહેલાણીની નૈતિક જવાબદારી છે, તે અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

વિશ્વ પ્રવાસન દિનના અવસરે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન થકી ‘સ્વચ્છ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’નો સંદેશ જન-જન સુધી પહોંચાડવાની સાથે પર્યટન સ્થળોને સ્વચ્છ અને રમણીય રાખવા માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

અંજનકુંડ ખાતે યોજાયેલ સફાઈ ઝુંબેશના સમગ્ર આયોજન અને સંકલનની કામગીરી નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ. ડી. તબિયાર તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ દ્વારા સુપેરે પાર પાડવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સંભાળવામાં આવી હતી.

સફાઈ ઝુંબેશ માટે પૂરતા પ્રમાણમાં સાધનો તથા એકત્રિત થયેલા ઘન કચરાના યોગ્ય નિકાલ માટે વાહનની વ્યવસ્થા તાલુકા વિકાસ અધિકારીશ્રી, આહવા તથા લિંગા ગામના સરપંચશ્રી અને તલાટી-કમ-મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સફાઈ સ્થળે આરોગ્યલક્ષી પ્રાથમિક સેવાઓ તેમજ પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ મહા સફાઈ અભિયાનમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક નીરજકુમાર, ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીણા, ડી.આર.ડી.એ. નિયામક એસ. ડી. તબિયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, પ્રાંત અધિકારી યુ. વી. પટેલ, આહવા, સુબીર અને વઘઈ તાલુકાના મામલતદારશ્રીઓ, લિંગાના રાજવી શ્રી છત્રસિંહ ભવરસિંહ, સ્થાનિક આગેવાનો, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવાના આચાર્યશ્રી, અધ્યાપકો, એન.એસ.એસ. (NSS) તથા એન.સી.સી. (NCC) કેડેટ્સ, વિદ્યાર્થીઓ તેમજ સફાઈકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है