રાષ્ટ્રીય

આદર્શ નિવાસી શાળા ખાતે કાર્યક્રમ મા આદિમ જૂથના પરિવારોને સાંસદશ્રીના હસ્તે લાભોનું વિતરણ કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિમ જૂથના પરિવારોને સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ:

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી આદિમ સમુદાય સાથે સંવાદ બાદ સંબોધન કર્યું:

નર્મદા જિલ્લામાં વસતા આદિમ જૂથના કોટવાળિયા પરિવારોને વિવિધ સરકારી યોજનાના લાભો આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક તબક્કાથી ચાલી રહેલી કવાયતના પરિણામ સ્વરૂપ બે હજારથી પણ વધુ વ્યક્તિને સરકારની યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને અંતરિયાળ એવા દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ લાભો હાથોહાથ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ લાભાર્થીઓને ઓનલાઇન માધ્યમથી સંબોધન કર્યું હતું. 

પીએમ – જનમન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ ૯ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આદિમજુથને સમાજ સમકક્ષ બનાવવાના પ્રયત્નનાં ભાગરૂપે તેના ઘરે આપવા અર્થે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આજદીન સુધી વિવિધ વિભાગો દ્વારા આદિમજુથને વિવિધ લાભો આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત પીવીટીજી સમુદાયને ૨૧૮ જાતિ પ્રમાણપત્ર પોઈન્‍ટ ઓફ સેલ આપવામાં આવ્યા છે. કુલ ૧૦૦ લાભાર્થીઓને પી.એમ.જનધન યોજના અંતર્ગત બેન્‍ક ખાતા ખોલી આપવામા આવ્યા છે. પી.એમ.માતૃવંદના યોજના હેઠળ કુલ ૨૧ સગર્ભા મહિલાને આવરી લેવામાં આવી છે.

એ જ પ્રકારે આરોગ્ય વિષયક સહાય સંદર્ભે ગંભીર બિમારીમાં ૧૦ લાખ સુધીની સહાય આપવા અર્થે કુલ બે હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. સાથે ખાસ કેમ્પ યોજીને ૨૩૪ રાશનકાર્ડ અને ૯૬૫ આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. આમ, નર્મદા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોના કારણે આટલા પરિવારોના ચહેરા ઉપર રાહતની લાગણી જોવા મળી હતી. 

સાંસદશ્રી મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, હું નહીં પણ તું ની ભાવના હોવી જોઈએ. સરકાર આપણને મદદ કરે છે, આપણે પણ મહેનત કરવી પડે, આપણે ખેતી કરીએ છીએ, પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધ્યું છે. સિંચાઈ દ્વારા ખેતી કરવા માટે બોર-મોટરની યોજના ટ્રાઇબલ વિભાગ દ્વારા બનાવાયી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વર્ષે ૬,૦૦૦ રૂપિયા ખેડૂતના ખાતામાં આવે છે. તેનો ખેતી બિયારણમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. આયુષ્યમાન કાર્ડ યોજના, ઉજ્જવલા યોજના, કુટિર જ્યોતિ યોજના, આધાર કાર્ડ યોજના, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા સોલારથી પણ સગવડ વિસ્તારમાં આહવામાં આવી રહેલી છે.

ઓછી જમીનમાં મૂલ્યવર્ધિત ખેતી કરવી, બધાને રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના બનાવી છે. સારું એજ્યુકેશન મેળવો, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરો, તમારા માટે રેસીડેન્સીયલ એકલવ્ય મોડેલ સ્કૂલમાં રહેવા-જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. દીકરા-દીકરી આજે દરેક ક્ષેત્રમાં નોકરી કરતા થયા છે. આદિવાસીઓ શિક્ષણમાં આગળ વધ્યા છે, પણ હજી ખૂબ જ આગળ વધે, હરીફાઈમાં ટકે તેવું શિક્ષણ મેળવવા પર ભાર મૂકવામાં હતો. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે. માણસો માટે તો સરકારે વ્યવસ્થા કરી છે, પણ પશુપાલન કરતા લોકો માટે પશુઓની સારવાર પણ માનવી જેવી જ થાય તેવી યોજના પ્રધાનમંત્રીએ બનાવી છે. 

પીએમ – જનમન કાર્યક્રમના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી ખાસ સંબોધન કર્યું હતું અને તેને ઉપસ્થિતિઓએ રસપૂર્વક સાંભળ્યું હતું. તેમણે વિવિધ રાજ્યોના કેટલાક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી પ્રતિભાવ જાણ્યા હતા. 

આ કાર્યક્રમ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારી યોજનાની માહિતી આપતા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા. જેને ગ્રામજનોએ નિહાળ્યા હતા. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આદિવાસી ઉત્થાન માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.  

નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડીયાપાડા તાલુકાના ગામોમાં કોટવાળીયા સમુદાયના લોકો વસવાટ કરતા હોવાથી આ સમાજના લોકોના આરોગ્યની ચિંતા કરી સરકારશ્રી દ્વારા ત્રણ એમ્બ્યુલન્સ મેડિકલ યુનિટ ફાળવવામાં આવ્યા છે, તેમજ પશુ સારવાર માટે ફરતું દવાખાનું(એમ્બ્યુલન્સ) તેનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આદિમ જૂથના બાળકો માટે ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં સાગબારા તાલુકાના ધવલીવેર, દેડીયાપાડા તાલુકાના સોરાપાડા અને મોટી બેડવાણ ગામના નવા આંગણવાડી કેન્દ્રો માટેના મંજૂરીપત્રો પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. 

આ વેળાએ ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રશ્મિબેન વસાવા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતના ચેરમેન શ્રીમતી નિતાબેન વસાવા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી હિતેશભાઈ વસાવા, પૂર્વ મંત્રીશ્રી મોતીભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજ કુમાર, પ્રયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે.જાદવ, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.આર.સંગાડા, દેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વર્ષાબેન વસાવા સહીત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર: સર્જન કુમાર વસાવા, 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है