મારું ગામ મારાં ન્યુઝ

ડાંગમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: જુલાઈ મહિનાની શરૂઆતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ડાંગ જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો. પૂરતા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સગવડતા મુજબ થોડાક ખેડૂતોએ ઉત્સાહભેર ડાંગર (ભાત)ની રોપણી શરૂ કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે અચાનક વિરામ લેતા ખેડૂતો માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે.

ખેતરોમાં રોપાયેલું ડાંગર પાણીના અભાવે ધીમે ધીમે સુકાવાની સ્થિતિમાં પહોંચી રહ્યું છે. ખેતરોમાં પડેલી તિરાડો અને કરમાતો પાક વરસાદના લાંબા વિરામની સાક્ષી પૂરી રહ્યો છે. જો સમયસર વરસાદ નહીં વરસે તો હજારો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ડાંગરની રોપણી નિષ્ફળ જવાની સંભાવના છે. જેના કારણે ડાંગરના પાક ઉત્પાદન પર ગંભીર અસર પડશે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

ખેડૂતો હાલ ચિંતાભર્યા મનથી આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. મેઘરાજા ફરી મહેરબાન બને અને ખેતરોમાં ફરી હરિયાળી છવાય તેવી પ્રાર્થના દરેક ખેડૂતો આકાશ તરફ નજર માંડી મેહુલો પધારો તેવી કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે હવે સમયસર વરસાદ જ તેમના પાકને બચાવી શકે છે અને હાલ ઊભા થયેલા સંકટમાંથી તેમને રાહત અપાવી શકે છે.

ડાંગ જેવા આદિવાસી અને ખેતીપ્રધાન જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. તેથી વરસાદમાં થતો વિલંબ અથવા લાંબો વિરામ માત્ર પાક માટે જ નહીં પરંતુ ખેડૂતોની આજીવિકા માટે પણ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હવે સૌની નજર આગામી દિવસોના હવામાન પર ટકેલી છે. ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है