
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના ગ્રામિણ શ્રમિકોને ૫૨ લાખ માનવદિન રોજગારી આપવાનું આયોજન મનરેગાના ૧,૭૫૩ કામો માટે રૂા. ૭,૦૬૪ લાખની વહીવટી મંજુરી આપતા જિલ્લા વિકાસ અધિકારી ડો. દિનેશકુમાર કાપડીયા
વ્યારા: તાપી જિલ્લામાં ચાલુ વર્ષે ગ્રામિણ શ્રમિકોને ૫૨ લાખ માનવદિન રોજગારી આપવાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી ડો. દિનેશકુમાર કાપડીયાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું છે. જિલ્લાની ૨૯૧ ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સુવિધાઓ ઉભી કરવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી (મનરેગા) યોજના હેઠળ ૧,૭૫૩કામો માટે રૂા. ૭,૦૬૪ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી છે.
કોઈ પણ પુખ્તવયના વ્યક્તિને બીન કુશળ કામ કરવા માટે રૂ. ૨૨૯/- પ્રતિ દિન રોજગારી આપવામાં આવે છે. મનરેગા યોજના દ્વારા ગામના લોકોને ગામમાં જ રોજગારી મળી રહે અને ગામમાં સ્થાયી અસ્ક્યામત ઉભી થાય તેવી લોકો દ્વારા લોકો માટે અને લોકો વડે ચાલતી રોજગારી માટેની અને બેરોજગારી દુર કરવાની આ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના અંતર્ગત એક વર્ષમાં પ્રતિ કુટુંબ ૧૦૦ દિવસની રોજગારી ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.
તાપી જિલ્લામાં ચાલુ વર્ષે મનરેગા યોજના હેઠળ હાથ ધરાનાર વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી ડો. દિનેશકુમાર કાપડીયાએ જણાવ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ધરાવતા લોકો તેમજ એક્ટીવ જોબકાર્ડ ધારકોની સંખ્યા ખુબ જ મોટા પ્રમાણમાં છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ લોકોને સતત રોજગારી પુરી પાડવાના વિકાસલક્ષી કામો માટે લાઈન ડિપાર્ટમેન્ટોનું સંકલન કરી મનરેગા યોજના અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
મનરેગા યોજના હેઠળ તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા અંદાજિત 1104.00 લાખના ખર્ચે 134 કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નર્સરી, વન તલાવડી, કન્ટુર ટ્રેંચ, રબર વોલ જેવા કામો છે. ખેતીવાડી વિભાગમાં 108.84 લાખનાં ખર્ચે 1000 જેટલા કામો જેમાં બોરવેલ/ઓપન વેલ રીચાર્જ સ્ટ્રકચર તેમજ 1 કરોડના ખર્ચે 100 કામો વર્મી કમ્પોસ્ટ (સામુહિક) બનાવવા, તેવી જ રીતે સિંચાઈમાં 75 લાખના ખર્ચે ચેકડેમના 25 કામો, પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 255.60 લાખના ખર્ચે રૂફ ટોપ વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર માટે 284 અને 760 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવનના 38 કામોનું આયોજન કરવામાં આવેલ છે. આઈ.સી.ડી.એસ. વિભાગમાં 700 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્ર માટેના 100 કામોનું આયોજન કરવામાં આવેલ છે. પશુપાલન વિભાગમાં કેટલશેડના 700 કામોનું રૂ. 510 લાખના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગમાં 586.05 લાખના ખર્ચે સ્કુલ કમ્પાઉન્ડ વોલ માટેના 79 કામોનું આયોજન કરાયું છે તથા રમતગમત કચેરી દ્વારા 175 લાખના ખર્ચે 35 કામો ઉભા કરાયા છે જેમા રમતગમતના મેદાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં મનરેગા અંતર્ગત વહિવટી મંજુરી આપેલ કામોમાં તળાવ ઉંડા કરવાના કામો 229, ચેકડેમ ઉંડા કરવાના કામો 191, ખેત તલાવડીના કામો 9, કેનાલ સાફ સફાઈના કામો 29, નવા તળાવના કામો 36, નવા ચેકડોમના કામો 3, કૂવાના કામો 24, માટી મેટલ રોડ 621, સી.સી.રોડ 16, ફ્લડ ડાયવર્જન ચેનલ 89, લેન્ડ લેવલીંગ 201, આવાસ 16, સ્ટેગર્ડ કન્ટુર ટ્રેન્ચ 2, સ્ટોન બંડ 44, માટીપાળા 10, ફિલ્ડ ચેનલ 19, કમ્પોસ્ટ પીટ 8, પ્લે ગ્રાઉન્ડ સમતળ 2, મીંયાવાકી વનીકરણ 22, રોડસાઈડ વનીકરણ 46, બ્લોક પ્લાંટેશન 22, તળાવની ફરતે વનીકરણ 76, રોડ મેન્ટેનંન્સ (સાઈડ સોલ્ડર) 3, આંગણવાડી 8 મળીને કુલ 1726 કામોમાં રૂ. 6435.01 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત કન્વરજન્સના કામોમાં વન વિભાગ વ્યારા દ્વારા પથ્થરની દિવાલ 22, ફાર્મ ફોરેસ્ટ્રી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 5 કામો મળીને કુલ 27 કામોમાં 628.89 લાખનો ખર્ચ કરવામાં આવશે. આમ બંને મળીને કુલ 1753 કામો માટે રૂ. 7064 લાખના ખર્ચની વહીવટી મંજુરી આપવામાં આવી છે. મનરેગા હેઠળ ચાલુ વર્ષે સમગ્ર તાપી જિલ્લામાં અંદાજિત રૂ. 103.05 કરોડના ખર્ચે 52 લાખ માનવદિન રોજગારી ઉભી કરવાનું આયોજન કરાયું છે. આ યોજના અંતર્ગત અંદાજિત દૈનિક 25 થી 30 હજાર જેટલા શ્રમિકોને રોજગારી પુરી પડાશે. જેનાથી તેમની આવકમાં વધારો થશે.