
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
બજેટ સરકારના લાગતા વળગતા લોકોને ફાયદો પહોંચાડે એવું હશે એવું અમારું માનવું છે:- ધારાસભ્ય ચૈતર વસાવા
આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજ સુધી બજેટના રૂપિયા પહોંચતા નથી: ચૈતર વસાવા
આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવતા રૂપિયાને સગે વગે કરવા માટે ગુજરાતમાં નકલી કચેરીઓ બનાવવામાં આવી છે:-ચૈતર વસાવા
આખા દેશમાં ઇડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે:- ચૈતર વસાવા
અરવિંદ કેજરીવાલજી ચૂંટણી પ્રચાર ન કરી શકે, તે માટે તેમને સમન્સ પાઠવવામાં આવે છે અને તેમને જેલમાં ધકેલવાનું આ એક ષડયંત્ર છે:- ધારાસભ્ય ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા અને બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા બજેટ સત્રમાં હાજરી આપવા વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આજે બજેટમાં કયા વર્ગને અને કયા સમાજને કેટલું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે, તેની અમે તકેદારી રાખીશું. સાથે સાથે ચર્ચા માટે અમને વધુ સમય આપવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બજેટમાં જો કોઈ સમાજ સાથે અન્યાય થશે તો અમે તે મુદ્દા પર વિરોધ પણ કરીશું.
ગયા બજેટમાં આદિવાસી સમાજ માટે 3410 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ એ બજેટને સગેવગે કરવા માટે આ સંગઠન અને સરકારના માણસોએ પડદા પાછળ રહીને તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ બનાવી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજ સુધી બજેટના રૂપિયા પહોંચતા નથી. અનેક મુદ્દાઓ પર અમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરી છે, તેમ છતાં પણ આજે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, તેના કારણે આદિવાસી વિસ્તાર ભ્રષ્ટાચારથી ખદબદે છે.
અમારું માનવું છે કે લોકસભા ચૂંટણીના કારણે સરકારનું આ બજેટ ચૂંટણીલક્ષી હશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ જે પ્રમાણે જાહેરાત કરી હતી તે પ્રમાણે અમે ભરૂચ લોકસભાથી ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. આપણે જોઈ શકીએ છીએ કે આખા દેશમાં ઇડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમારા જેવા ધારાસભ્યોને પણ ખોટા કેસોમાં દબાવવામાં આવે છે. અરવિંદ કેજરીવાલજી ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે તે માટે તેમને સમન્સ પાઠવવામાં આવે છે અને તેમને જેલમાં ધકેલવાનું આ એક ષડયંત્ર છે. ભાજપ લોકશાહીનું હનન કરીને સમગ્ર દેશ પર કબજો કરવા માંગે છે. પરંતુ દેશમાં લોકતંત્ર બચાવવા માટે અમે ભાજપ સામે લડતા રહીશું.
આજે આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ આવી ગયું છે. એમાં ભાજપ સરકારના કોન્ટ્રાક્ટરો અને એનજીઓને કામ આપવામાં આવે છે. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનું સપનું હતું કે તેઓ સરકારી શિક્ષક બનશે, પરંતુ આ સરકારે જ્ઞાન સહાયક યોજના લાવીને યુવાનો સાથે અન્યાય કર્યો છે. નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે દર વર્ષે બે કરોડ રોજગાર આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું અને દરેક વર્ગનો વિકાસ કરીશું પરંતુ સરકાર આમાં સદંતર નિષ્ફળ ગઇ છે. આ બજેટ સરકારના લાગતા વળગતા લોકોને ફાયદો પહોંચાડે એવું હશે એવું અમારું માનવું છે.
પત્રકાર: દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યુઝ, ડેડીયાપાડા,