દેશ-વિદેશવિશેષ મુલાકાત

આવાસ, વીજળી, શૌચાલયો, ગેસ, રસ્તા, હૉસ્પિટલો અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓને અસર થઈ છે: પ્રધાનમંત્રી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર 

ઘર અને રસોડાં સંબંધી સમસ્યાઓ પહેલા ઉકેલાય ત્યારે જ આપણી દીકરીઓ ઘર અને રસોડામાંથી બહાર આવીને દેશનાં નિર્માણમાં વ્યાપકપણે યોગદાન આપી શકે:

આજે જ્યારે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ અને છેલ્લા સાત દાયકાઓની પ્રગતિ જોઇએ છીએ ત્યારે એવી લાગણી અનિવાર્યપણે થાય કે આ પાયાની સમસ્યાઓ દાયકાઓ અગાઉ ઉકેલાવી જોઇતી હતી: પ્રધાનમંત્રી
છેલ્લા 6-7 વર્ષોમાં, સરકારે મહિલા સશક્તીકરણના વિવિધ મુદ્દાઓ ઉકેલવા માટે મિશન મોડ પર-જીવનલક્ષ્યની ઢબે કામ કર્યું છે: પ્રધાનમંત્રી

બહેનોનાં આરોગ્ય, સગવડ અને સશક્તીકરણના સંકલ્પને ઉજ્જવલા યોજનાથી બહુ મોટું જોર મળ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલાઓનાં સશક્તીકરણના સરકારનાં વિઝનનું એક સર્વગ્રાહી વિવરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવાસ, વીજળી, શૌચાલયો, ગેસ, રસ્તા, હૉસ્પિટલો અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવથી મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓને સૌથી ખરાબ અસર થઈ છે. આજે જ્યારે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ અને છેલ્લા સાત દાયકાઓની પ્રગતિ જોઇએ છીએ ત્યારે એવી લાગણી અનિવાર્યપણે થાય છે કે આ સમસ્યાઓ દાયકાઓ પહેલા ઉકેલાઇ જવી જોઇતી હતી એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશમાં મહોબા ખાતે આજે વીડિયો કૉન્ફરન્સથી ઉજ્જવલા 2.0નો શુભારંભ કર્યા બાદ બોલી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગળતું છાપરું, વીજળીનો અભાવ, પરિવારમાં માંદગી, શૌચાલય માટે અંધારું થવાની રાહ જોવી, શાળાઓમાં શૌચાલયનો અભાવ એ બધાંએ આપણી માતાઓ અને દીકરીઓએ સીધી અસર કરી છે. પ્રધાનમંત્રીએ એક અંગત નોંધની ભૂમિકા લઈ અને કહ્યું કે આપણી પેઢી આપણી માતાઓને ધુમાડા અને ગરમીથી દુ:ખી થતી જોઇને મોટી થઈ છે.

પ્રધાનમંત્રીએ સવાલ કર્યો હતો કે જો આપણી ઊર્જા આ પાયાની જરૂરિયાતોની સાથે પનારો પાડવામાં ખર્ચાઇ જતી હોય તો આપણે આપણી આઝાદીના 100 વર્ષો તરફ કેવી રીતે આગળ વધી શકીએ. જો એક પરિવાર કે એક સમાજ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતો રહે તો તે મોટાં સપનાં જોઇને એને કેવી રીતે સિદ્ધ કરી શકે. એક સમાજ માટે એનાં સપનાં હાંસલ કરવા માટે, સપનાં પરિપૂર્ણ થઈ શકે છે એવી લાગણી અનિવાર્ય છે. “એક દેશ આત્મવિશ્વાસ વગર આત્મનિર્ભર કેવી રીતે બની શકે” એવું પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું.

શ્રી મોદીએ કહ્યું હતું કે 2014માં અમે આ સવાલો અમારી જાતને પૂછ્યા હતા. એ બહુ સ્પષ્ટ હતું કે આ સમસ્યાઓ ચોક્કસ સમયમર્યાદામાં ઉકેલવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઘર અને રસોડાં સંબંધી સમસ્યાઓ પહેલા ઉકેલાય ત્યારે જ આપણી દીકરીઓ ઘર અને રસોડાંમાંથી બહાર આવી શકશે અને રાષ્ટ્ર નિર્માણમાં વ્યાપકપણે યોગદાન આપશે. આથી, છેલ્લાં 6-7 વર્ષોમાં સરકારે વિવિધ મુદ્દાઓનો ઉકેલ મેળવવા મિશન મોડ પર-જીવનલક્ષ્યની ઢબે કામ કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે આવા ઘણા હસ્તક્ષેપની યાદી આપી હતી જેમ કે

  • સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ કરોડો શૌચાલયો બનાવાયા
  • ગરીબ પરિવારો માટે, મોટા ભાગે મહિલાઓનાં નામે 2 કરોડથી વધારે આવાસો
  • ગ્રામીણ રસ્તાઓ
  • સૌભાગ્ય યોજના હેઠળ 3 કરોડ પરિવારોને વીજળી જોડાણ મળ્યાં
  • રૂ. 5 લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આયુષ્યમાન ભારત 50 કરોડ લોકોને કવર આપી રહ્યું છે.
  • માતૃ વંદના યોજના હેઠળ ગર્ભાવસ્થા દરમ્યાન રસીકરણ અને પોષણ માટે સીધા નાણાં ટ્રાન્સફર
  • કોરોના ગાળા દરમ્યાન મહિલાઓના જન ધન ખાતાંઓમાં 30 હજાર કરોડ રૂપિયા સરકાર દ્વારા જમા કરાવાયા
  • જલ જીવન મિશન હેઠળ આપણી બહેનો પાઇપ દ્વારા પાણી મેળવી રહી છે.

તેમણે કહ્યું હતું કે આ યોજનાઓએ મહિલાઓનાં જીવનમાં સર્વાંગી પરિવર્તન આણ્યું છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે બહેનોનાં આરોગ્ય, સગવડ અને સશક્તીકરણના સંકલ્પને ઉજ્જવલા યોજનાથી બહુ મોટું જોર મળ્યું છે. આ યોજનાના પહેલા તબક્કામાં ગરીબ, દલિત, વંચિત, પછાત અને આદિવાસી પરિવારોની 8 કરોડ મહિલાઓને મફત ગેસ જોડાણો આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ મફત ગેસ જોડાણનો લાભ કોરોના મહામારીના યુગમાં અનુભવાયો હતો. ધંધા ઠપ હતા અને હેરફેર નિયંત્રિત હતી ત્યારે કરોડો ગરીબ પરિવારોને મહિનાઓ સુધી મફત ગેસ સિલિન્ડર્સ મળ્યા હતા. “કલ્પના કરો, જો ઉજ્જવલા ન હોત તો આ ગરીબ બહેનોની શી દશા થઈ હોત” એમ પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है