બ્રેકીંગ ન્યુઝવિશેષ મુલાકાત

ડાંગ જિલ્લામા આરોગ્યલક્ષી સેવાઓને અસરકારક બનાવવાની તાકીદ કરતા ડાંગ કલેકટરશ્રી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

જિલ્લામા માતા/બાળ મૃત્યુ અંગેના કેસોની સમીક્ષા કરતા કલેકટરશ્રી એન.કે.ડામોરે  બનાવોને કમનસીબ ગણાવી ગ્રામીણ સેવાઓની કરી સમીક્ષા ;
(ડાંગ માહિતી બ્યુરો); આહવા; તા; ૫; રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા “ગર્ભાધાન થી લઈને મૃત્યુપર્યંત” સુધીની આરોગ્ય સેવાઓ અમલી છે, ત્યારે વિશેષ કરીને ગ્રામીણ આરોગ્ય કર્મચારીઓને માનવતા સાથે પ્રજાજનોની સેવા કરવાની હિમાયત કરતા ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે ડાંગ જિલ્લામા થયેલા માતા અને બાળ મરણના કમનસીબ બનાવો અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી, આરોગ્ય કર્મચારીઓને સંવેદનશીલ થવાની સુચના આપી હતી.

સગર્ભા માતાઓની સંપૂર્ણ આરોગ્યલક્ષી તપાસ શરુઆતના દિવસોમા જ થાય તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સુનિશ્ચિત થાય તેવુ વ્યવસ્થા તંત્ર ગોઠવવાની સુચના આપતા કલેકટર શ્રી ડામોરે ગ્રામીણ આરોગ્ય કર્મચારીઓને ફરજીયાતપણે પોતાના સબ સેન્ટર, પી.એચ.સી. કક્ષાએ રહીને જ સેવાઓ આપવાની પણ તાકીદ કરી હતી.

હેલ્થ વર્કરોને તેમના નિયત જોબચાર્ટ મુજબ કામગીરી કરવાની તાકીદ કરતા શ્રી ડામોરે તાલુકા કક્ષાએથી સઘન મોનીટરીંગ અને સુપરવિઝન માટે ટીમનુ ગઠન કરવાની પણ સુચના આપી હતી. આરોગ્ય સેવાઓ બાબતે ખુબ જ સંવેદનશીલતા અને માનવતા સાથે કામગીરી હાથ ધરી, માતા અને બાળકોની અમુલ્ય જીન્દગી બચાવવા માટે ઘટતા તમામ પ્રયાસોની હિમાયત કરતા કલેકટરશ્રીએ જરૂરી દવાઓ, કે સાધન-સુવિધાના અભાવે મુશ્કેલી હોય તો તે નિવારી શકાય, પરંતુ કામગીરીમા બેદરકારી કોઈ પણ સંજોગે ચલાવી શકાય નહિ, તેમ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ.

જિલ્લાના પેરા મેડીકલ સ્ટાફ/ગ્રામ્ય કર્મચારીઓને વધુ કાળજીપૂર્વક સેવાઓ બજાવવાની સુચના આપતા કલેકટર શ્રી ડામોરે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને અભાવે માતા/બાળ મૃત્યુના કેસો બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા કર્મયોગીઓ દયા, માયા, સંવેદના, માનવતા સાથે કાર્ય કરે તે જરૂરી છે તેમ જણાવી કલેકટરશ્રીએ ગ્રામીણ કક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને ફરજીયાતપણે તેમના હેડ ક્વાર્ટર ઉપર રહેવાની પણ તાકીદ કરી હતી.

તાલુકા હેલ્થ ઓફિસરોને સતત ગ્રામીણ કક્ષાએ વિઝીટ કરી ફિલ્ડ કર્મચારીઓની ટુર ડાયરી સહિતની વિગતો ચકાસવાની સુચના આપતા કલેકટરશ્રીએ અપડાઉન કરતા ગ્રામીણ કર્મચારીઓને તેમના કાર્યમથકે રહેવાની પણ તાકીદ કરી હતી. ઘરે ઘર સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવાની જવાબદારી જે તે સબ સેન્ટર અને પી.એચ.સી.ની છે, તેમ જણાવતા કલેકટર શ્રી એન.કે.ડામોરે સરકારી સેવાઓને વધુ અસરકાર બનાવવાની પણ આ વેળા સુચના આપી હતી.

જિલ્લા સેવા સદન, આહવા ખાતે યોજાયેલી બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાએ આરોગ્ય સેવાઓની અસરકારકતા બાબતે ઉપયોગી સૂચનો રજુ કર્યા હતા. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહે બેઠકની કાર્યવાહી સંભાળી હતી. બેઠકમા આશાથી લઈને આરોગ્ય અધિકારી સુધીના કર્મચારી/અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है