
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના વાંદરી ગામની દીકરીએ GPSC વર્ગ-2 ની પરીક્ષા પાસ કરી;
સ્પર્ધાત્મક પરીક્ષાના કોઈપણ ક્લાસીસ કર્યા વિના જાત મેહનતથી ટેટ, ટાટ, કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી રિસર્ચ ઓફીસર વર્ગ – 2 ની પરીક્ષા પાસ કરી;
નાની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ ખેતમજૂરી કરી તકલીફ વેઠી દીકરીને ભણાવી;
કહેવાય છે ને મન હોય તો માળવે જવાય પરિસ્થિતિ ગામે તેવી હોય પણ જો મક્કમ નિર્ધાર અને કાંઈક અલગ કરવાની આશા રાખનાર ની આગળ સફળતા પણ ધૂટણ ટેકવી દે છે,
રાજપીપળા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે હાલ ફરજ બજાવતા સાવિત્રીબેન વસાવા બન્યા યુવા વર્ગ માટે પ્રેરણા શ્રોત… પરિસ્થિતિ સફળતા માટે રુકાવટ નથી:
નર્મદા: ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા વાંદરી ગામથી આવતી એક આદિવાસી દીકરીએ GPSC વર્ગ 2 ની રીસર્ચ ઓફીસરની પરીક્ષા પાસ કરી આદિવાસી સમાજ નુ ગૌરવ વધાર્યું છે. અત્યંત વિકટ પરિસ્થિતમાંથી પસાર થઇ સખત પરીશ્રમ ને કારણે સાવિત્રીબેન મંગાભાઈ વસાવા એ અન્ય ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ પાસ કરી છે.
મૂળ ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામના વતની અને મધ્યમ વર્ગમાંથી આવનાર સાવિત્રી વસાવા એ નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યારબાદ કુટુંબમાં ત્રણ બાળકોની જવાબદારી તેમની માતા એ ઉપાડી ખેતમજૂરી કરી અભ્યાસ કરાવ્યો હતો. ડેડીયાપાડા ની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદ ખાતે ગ્રેજ્યુએશન તેમજ માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમણે વર્ષ. 2017 બી.એડ ની તાલીમી લાયકાત પૂર્ણ કરી હતી. બી એડ પૂર્ણ કર્યા બાદ તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં ઉત્તીર્ણ થવા માટે અન્ય વિદ્યાર્થીઓ મોંઘી ફી ભરી ક્લાસીસ શરૂ કરતાં હોય છે જ્યારે સાવિત્રીબેન વસાવા એ એવા કોઈ પણ કલાસિસ કર્યા વગર TET, TAT જેવી પરીક્ષાઓ પાસ પણ કરી હતી. વર્ષ 2019 માં તેમણે પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ કરી હાલ તેઓ રાજપીપળા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે હાલ ફરજ બજાવે છે. 2017 માં કમર્શિયલ ટેક્સ ઓફિસરની પ્રિલીમ પરીક્ષા પાસ કરી પરંતુ મેઇનમાં સફળ થયા ન હતા. તેમ છતાં તેમને કોન્સ્ટેબલ ની નોકરી સાથે GPSC ના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. જેમાં તેમણે 2019 માં રીસર્ચ ઓફીસર ( RO ) પરીક્ષા આપી હતી જેનું ઈન્ટરવ્યૂ 1 જુલાઈએ યોજાયું હતું જેમાં એસ ટી કેટેગરીના પસંદગી પામેલા છ ઉમેદવારો પૈકી સાવિત્રીબેન વસાવા પણ સામેલ છે. અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ આ આદીવાસી દીકરી એ સાબિત કરી બતાવ્યું છે. ત્યારે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને સાવિત્રી વસાવા એ ઉત્તમ નારીશક્તિ નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે દિવ્યભાસ્કર સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે સમય, પરિસ્થિતિ ગમે તેવો હોય પરંતુ પોતાના ધ્યેય ને ન છોડી મંડ્યા રહો તો સફળતા અચૂક મળશે. મોટાભાગના ગરીબ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરતાં હોય છે ત્યારે આર્થિક મુશ્કેલીઓ ઘણી આવતી હોય છે. સતત પરીશ્રમ અને સમયનો સદુપયોગ કરીશું તો ક્યારેય નાસીપાસ નહીં થવાય. અત્યારે ટેકનોલોજી ના જમાનામાં મોબાઈલ પર ઓનલાઈન ઘણા બધા સ્ટડી લિંક મળતાં હોય છે જેમાંથી સારી બાબતો ને અનુસરવું જોઇએ.