વિશેષ મુલાકાત

આહવા ખાતે યોજાઈ સંભવિત “તાઉ ‘તે” વાવાઝોડા સંદર્ભે જીલ્લા કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને બેઠક:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લામા સંભવિત તાઉ ‘તે વાવાઝોડા દરમિયાન ‘મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુલિટી’ ના સંકલ્પ સાથે કામગીરી કરવાની નવનિયુક્ત કલેકટર શ્રી ભાવિન પંડયાની અપીલ;

આહવા ખાતે યોજાઈ સંભવિત તાઉ ‘તે વાવાઝોડા સંદર્ભે તાકીદની બેઠક;

કલેકટરશ્રી સહિતના ઉચ્ચાધિકારીઓએ આપ્યુ ઉપયોગી માર્ગદર્શન:

આહવા: ડાંગ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈ વે નંબર ૯૫૩ (બરડીપાડા-આહવા-શામગહાન-સાપુતારા) સહીત સાત જેટલા રાજ્ય ધોરી માર્ગો, ઉપરાંત જિલ્લા પંચાયત અને વન વિભાગ હસ્તકના ગ્રામ્ય માર્ગો સંભવિત “તાઉ’તે” વાવાઝોડાને કારણે અવરોધાય નહિ, અને આ માર્ગો આવગમન માટે સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાની સુચના ડાંગના નવનિયુક્ત કલેકટર શ્રી ભાવિન પંડયાએ જિલ્લા અધિકારીઓને આપી છે.

વનાચ્છાદિત ડાંગ જિલ્લામા સંદેશા વ્યવહાર સહીત વીજ પુરવઠો કોઈ પણ સંજોગોમા ન અવરોધાય તે રીતની વ્યવસ્થા કરવાની તાકીદ કરતા કલેકટર શ્રી પંડયાએ જિલ્લા તથા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમો રાઉન્ડ ધ કલોક ચાલુ કરી સંબંધિત તાલુકાઓના નોડલ ઓફિસરોને જવાબદાર કર્મચારીઓને ફરજનિયુક્ત કરવાની પણ હિમાયત કરી હતી.

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સરકારી વાહનોમા જરૂરી ઇંધણનો જથ્થો જળવાઈ રહે તે રીતની કાર્યવ્યવસ્થા હાથ ધરી, વાવાઝોડાને પગલે ખાસ કરીને “કોરોના” ના સમયે જિલ્લાની આરોગ્ય સેવાઓને કોઈ વિપરીત અસર ન પહોંચે તે જોવાની પણ કલેકટરશ્રીએ તાકીદ કરી હતી. સંભવિત વાવાઝોડા સહીત આગામી ચોમાસાને ધ્યાને લઈને કોઈ પણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાના સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરવાની સુચના આપી હતી. 

ડાંગ જિલ્લાના પ્રજાજનોને પણ સંભવિત વાવાઝોડા સહીત કોરોના સંક્રમણને ધ્યાને લેતા બિનજરૂરી આવાગમન ન કરવાની સુચના આપતા કલેકટર શ્રી ભાવિન પંડયાએ જિલ્લામા કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બને તો જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર કંટ્રોલરૂમ (૦૨૬૩૧-૨૨૦૩૪૭) ઉપર તે અંગેની જાણકારી આપવાની પણ અપીલ કરી છે.

જિલ્લા સેવા સદન ખાતે આયોજિત ડાંગ જિલ્લાની પોતાની પ્રથમ બેઠકને સંબોધતા કલેકટર શ્રી ભાવિન પંડયાએ “તાઉ’તે” વાવાઝોડાના આ સમયે “મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુલિટી’ ના સંકલ્પ સાથે ડાંગ જિલ્લાના સૌ વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરવાની અપીલ કરી હતી.

બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ પણ ઉપયોગી સૂચનો કરી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ. બેઠકનુ સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે કર્યું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है