
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પી. પી. સવાણી વિદ્યામંદિર ખાતે રમોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ:
ગ્રામીણ ટુડે, વ્યારા: તાપી એજ્યુકેશન એકેડમી સંચાલિત પી, પી. સવાણી વિદ્યામંદિર કાટગઢ – વ્યારા ખાતે ઉત્સાહભેર રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ- 6 થી 8 અને ધોરણ – 9, 11 ના બંને માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી મનીષશુક્લ, સમીર શુક્લ, શિવાંગ ઉપાધ્યાય અને કનૈયાલાલ ઉપાધ્યાય પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય મહેમાનશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતી માધ્યમના આચાર્યશ્રી અલ્પેશભાઈ ગજેરએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અતિથીઓને શાળાના પ્રાગણમાં આવકાર્ય હતા. તેમજ અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી અંકિત પંચોલીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ત્યારબાદ રમોત્સવનું ઓપનીંગ મહેમાનશ્રી દ્વારા મસાલ પ્રગટાવી મેરેથોન દોડ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના હાઉસ વાઈસ વિદ્યાર્થીઓ દ્વારા ડ્રીલ ડાન્સ અને પિરામિડની સુંદર રજૂઆત કરવામાં આવી હતી.
રમોત્સવમાં દોરડાખેંચ, કબ્બડી, દોડ, ચક્રફેક, ક્રિકેટ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમોત્સવમાં વિજેતા થનાર દરેક વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા થનાર દરેક વિદ્યાર્થીને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સુપરવાઇઝર પૂનમ ભાવસાર, ક્રિશ્ના વ્યાસ તથા યોગ શિક્ષક અંકિત ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.