
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નાંદોદ ટંકારીના ખેડૂતો સાથે કપાસની ખરીદીમાં વેપારીએ કરી લાખો રૂપિયાની છેતરપીંડી.. લોકોએ પકડી પાડી.. ડભોઈનો ભેજાબાજ વેપારી ત્યાંથી ફરાર થઈ જવા સફળ..!
કપાસ ખરીદી કરતા વેપારીએ વજન કાંટા પર વજન ઓછું બતાવતુ રીમોટ કંટ્રોલ બનાવ્યું: 20 કિલો કપાસ મૂકો તો રીમોટ દબાવવાથી 5 કિલો વજન ઓછું બતાવે;
ગ્રામ્ય વિસ્તારોમાં પુરવઠા વિભાગ દ્વારા ગ્રાહક સુરક્ષા અને તોલમાપ બાબતે કોઈજ નક્કર પગલા ન લેવાતા લુંટારુઓને મળ્યો છુટો દોર..!
નાંદોદ તાલુકાના ટંકારી ગામે કપાસની ખરીદી કરવા આવેલા ડભોઈના એક વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.જો કે ગામના ખેડૂતોએ ભેગા થઇ વેપારીની પૂછતાછ કરી એની તપાસ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો. અને સ્થિતિ પામી ગયેલો ડભોઈનો ભેજા બાજ વેપારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે એમ છે.
મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડભોઈનો એક વેપારી નાંદોદ તાલુકાના ટંકારી ગામે ખેડૂતો પાસેથી બજાર ભાવ કરતાં વધુ ભાવે કપાસની ખરીદી કરવા આવ્યો હતો. બજાર ભાવ કરતાં વધુ ભાવ મળતા ટંકારી અને આસપાસના ખેડૂતોએ એ વેપારીને કપાસ આપ્યો હતો.જો કે ટંકારી ગામના કનુંભાઈ પાટણવાડીયા ને શંકા ગઈ હતી કે પોતે કરેલા વજન કરતાં વેપારીએ કરેલા વજનમાં ઘણો મોટો ફેર છે. વેપારીને ખબર ન પડે એ રીતે ખેડૂતે ગામમાં અન્ય ખેડૂતોને જાણ કરતા ત્યાં લોકો એકઠા થયા હતા. ગામ લોકોએ ડભોઈના વેપારીની પૂછતાછ કરી હતી એ દરમિયાન એના ટેમ્પા માંથી એક રીમોટ કંટ્રોલ મળી આવ્યું હતું. એ રીમોટ કંટ્રોલની ખાસિયત એવી છે કે રિમોટનું બટન A દબાવે 5 કિલો, C બટન દબાવે ત્યારે 15 કિલો જેટલુ વજન કપાઈ જાય છે.
વેપારીની પોલ ખુલી જતા ગામ લોકો ભેગા થઈ જતા વેપારી વજન કાંટો મુકી ભાગી ગયો હતો. સ્થાનિક પોલીસ દ્રારા આ વેપારીને પકડી જો પૂછતાછ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવે એમ છે. આ બાબતે ટંકારી ગામમાં ખેડુત પ્રવિણસિંહ નટવરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ડભોઈનો આ વેપારી છેલ્લાં ઘણાં સમયથી અમારા વિસ્તારમાં કપાસ લેવા આવે છે. જે ખેડુત પોતે કપાસ વિણતો હોય અને કપાસનું કેટલું વજન છે એની ખબર ન હોય એવા ગરીબ ખેડૂતોને આ વેપારી ટાર્ગેટ કરતો હતો. આ રીતે વજન ઓછું બતાવી એણે ખેડૂતો સાથે 10 થી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હશે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા