
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં પંપા સરોવરનો વિકાસ ને બદલે વિનાશ, ભૌતિક સુવિધાનો પણ અભાવ:
એક પેડ માં કે નામ કાર્યક્રમનાં ઉજવણી માટે લાવેલ ૨૦૦ થી વધુ રોપા તડકે પડી પડી સુકાઈ ગયા: જીલ્લાના તત્રની ઘોર બેદરકારી સામે આવી..
દિનકર બંગાળ, ડાંગ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ધાર્મિક પરિસરીય પ્રવાસન સ્થળ તરીકે ઓળખ પામેલ પંપા સરોવર ખાતે દર વર્ષે હજારો અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતા હોય છે. ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવતું આ ધાર્મિક પરિસર ની શ્રદ્ધાળુઓ મુલાકાત લેતા હોય છે. પરંતુ હાલ પંપા સરોવરની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ઘણી એવી બાબતો છે કે, અહી વિકાસ થવાના બદલે વિકાસ રુંધાવા લાગ્યો છે. પરંતુ તંત્ર આંખે પાટા બાંધી બેઠું હોય તેમ લાગી રહ્યું છે.
સુબીરનાં શબરીધામથી અંદાજે ૭ કિલોમીટર દૂર પંપા સરોવર આવેલું છે જેને સહ્યાદ્રિ ઈકો ટુરિઝમ અંતર્ગત પંપા સરોવર પરીસરિય પ્રવાસન સ્થળનું વિકાસકીય ડેવલપમેન્ટ કરી વર્ષ ૨૦૨૧ માં તેવખતના મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલ ચાર વર્ષ પૂર્ણ થવા ૪ દિવસ બાકી, છતાં પણ અહીની દશા અને દિશાએ વિકાસ થવાના બદલે વિનાશ તરફ ધકેલાઈ રહી હોવાનાં દ્રશ્યો ચિત્રો હાલ વર્તમાનમાં જોવા મળે છે.
સ્ટ્રીટલાઈટ બંધ, અંધારીયો ગ્રહ બન્યો: પંપા સરોવર ખાતે પ્રવેશતા જ પ્રવાસીને રાત્રે અગવડતા ન પડે માટે ૨૫ સ્ટ્રીટલાઈટ સમગ્ર વિસ્તારને પ્રકાશથી આવરી લે તેવી રીતે ઉભી કરાઈ પરંતુ હાલ ૧૦ સ્ટ્રીટલાઈટ પર બ્લબ જોવા મળે છે બાકી ૧૫ સ્ટ્રીટલાઈટ પર લાઈટના બલ્બ જોવા મળતા નથી. આશ્ચર્ય પમાડે છે કે આટલી ઉપર લગાવેલ લાઈટો ક્યાં જતી રહી તે તપાસનો વિષય બનવા પામ્યો છે.
લોખંડની રેલીંગ ચોરટાઓ ચોરી ગયા, ગજબ?:ચોમાસા દરમિયાન ધસમસતા પાણીના પ્રવાહમાં કોઈ પ્રવાસી તણાઈ ન જાય કોઈ મોટી દુઘર્ટના ન બને તે માટે લોખંડની રેલીંગ બનાવેલ તે રેલીંગ કોઇ ચોરટાઓ કાપીને ચોરી કરી ગયાના દ્રશ્યો જોવા મળે છે. લોખંડની રેલીંગ ન હોવાથી મોટી દુર્ઘટનાને ખુલ્લુ આમંત્રણ મળતું હોય તેમ લાગી રહ્યું છે.
એક પેડ માં કે નામના ૨૦૦ થી વધુ રોપા સુકાઈ ગયા: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામનો કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ત્યારે ડાંગ જિલ્લામાં પણ એક પેડ માં કે નામના કાર્યક્રમો જિલ્લાના વહીવટીતંત્રએ જોરોસોરોથી કર્યા હતા. પંપા સરોવર ખાતે પણ વહીવટીતંત્ર દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમની ઉજવણી કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. અને હાલ ૧૨ જેટલા વૃક્ષો નજરે જીવતા જોવા મળી રહ્યા છે. નવાઈની વાતતોએ છે કે, ૨૦૦ થી પણ વધુ રોપા એક પેડ માં કે નામના રોપા વહીવટીતંત્ર એ મરવા માટે મુકી ગયા, હાલ રોપા સુકાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગનાં તંત્રએ દેશના વડાપ્રધાને આપેલ સ્લોગન ‘ એક પેડ માં કે નામ’ ને ખૂલેઆમ અવગણના કરી વહીવટીતંત્ર એ ધજાગરા ઉડાડી સંપૂર્ણ કાર્યક્રમને કાળીક પોતી હોવાનું જણાય રહ્યું છે.
કુટીરો બની ખંડેર: દુરદુરથી આવતા પ્રવાસીઓ માટે બનાવેલ વિશ્રામ કુટીર ધુળખાઈ જર્જરિત બની ગઈ છે વિશ્રામ કુટીર શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહ્યા છે. દુરનો પ્રવાસ કરી થાકીને આવતા પ્રવાસીઓ આરામની વ્યવસ્થા ન મળતાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
પગથિયાની લાદીઓ ઉખડી ગઈ: પંપા સરોવર ખાતે નીચે ઉતરવા માટે પગથિયાં બનાવવામાં આવ્યા છે. બાંધકામને ખાલી ચાર વર્ષ પૂર્ણ થવાના આરે છે. ત્યારે અહી નિમ્ન કક્ષાનો ગુણવત્તા વગરનો માલ સામાનનો ઉપયોગ કરી ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોય તેવાં પોલ ખોલતા દ્રશ્યો જોવા મળ્યા છે. પગથિયા પરની લાદીઓ ઉખડી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.