
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સિનની રસીનો પહેલો ડોઝ, AIIMS દિલ્હી ખાતે ‘કોવેક્સિન’ લીધી: ઉલ્લેખનીય છે કે કોરોના રસી, વેક્સિનેશનના સંદર્ભમાં વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું હતું.
આજથી એટલે કે ૧ માર્ચ ૨૦૨૧ થી કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. વડાપ્રધાન મોદી પોતાની જાતે જ સવારના પહોરમાં નવી દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા અને કોરોના વેક્સિન લીધી હતી. સાથે જ તેમણે દેશવાસીઓને કોરોના વેક્સિન લેવાની વિનંતી પણ કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. દિલ્હી ખાતેની એઈમ્સ હોસ્પિટલમાં કામ કરતી પુડુચેરીની સિસ્ટર પી. નિવેદાએ વડાપ્રધાનને કોરોના વેક્સિનનો ડોઝ આપ્યો હતો.
સ્વદેશી વેક્સિન ‘કોવેક્સિન’નો ડોઝ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક સંદેશ આપવાનું કામ કર્યું છે. હકીકતે વિપક્ષના અનેક નેતાઓ આ વેક્સિનને લઈને સવાલો કરી ચુક્યા છે. વડાપ્રધાને આ વેક્સિન લઈને વિશ્વસનીયતાના સંકટને દૂર કરવા પ્રયત્ન કર્યો અને સાથે જ આત્મનિર્ભર ભારતના નારાને બુલંદ કર્યો છે. ઉપરાંત તેમણે લોકોને ઉત્સાહપૂર્વક વેક્સિનેશન કાર્યક્રમમાં જોડાવવા વિનંતી પણ કરી છે.
દેશનાં વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, “મેં એઈમ્સ ખાતે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો. જે રીતે આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરૂદ્ધની વૈશ્વિક લડાઈ મજબૂત કરવા ઝડપથી કામ કર્યું તે ખૂબ પ્રશંસનીય છે. જે લોકો વેક્સિન લેવા માટે યોગ્ય છે તેઓ વેક્સિન લે તેવી હું વિનંતી કરૂં છું અને આપણે સાથે મળીને ભારતને કોરોનામુક્ત બનાવીએ.”
બીજા તબક્કાનું વેક્સિનેશન આજથી પ્રારંભ :
પહેલા તબક્કામાં ફ્રન્ટ લાઈન વર્કર ને અપાય હતી રસી હવે બીજા તબક્કામાં વેક્સિનેશનના આ નવા અભિયાનથી 27 કરોડ લોકોને સાંકળી લેવાશે. દેશમાં 12,000થી વધારે સરકારી અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર વેક્સિનેશનને ગતિશીલ બનાવવાની જવાબદારી સોંપાઈ છે.