
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ તેમજ આહવા કોલેજમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી:
દિનકર બંગાળ, આહવા: ભારતના બંધારણના મહત્વ, બંધારણીય મૂલ્યો, નાગરિક અધિકારો અને ફરજો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવાના હેતુથી તા. ૨૬ નવેમ્બરના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વઘઇ તેમજ આહવાની કોલેજમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીના પરિપત્ર અનુસાર સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સૌ પ્રથમ વઘઇ ખાતે ભારતીય બંધારણના ‘આમુખ’ (પ્રસ્તાવના) ના સામૂહિક પઠન સાથે કરવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ. જે. એમ. ભોયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં ભારતીય બંધારણની આગવી વિશેષતાઓ તેમજ નાગરિકોના મૂળભૂત અધિકારો અને ફરજો વિશે માહિતી આપી હતી. તેઓએ વિદ્યાર્થીઓને એક જાગૃત અને જવાબદાર નાગરિક બની લોકશાહી મૂલ્યોનું જતન કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ બંધારણમાં નિહિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શોને જીવનમાં આત્મસાત કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.
ત્યારબાદ ભારતીય બંધારણના ઘડવૈયાઓના અમૂલ્ય યોગદાનને સ્મરણાંજલિ આપી બંધારણની પ્રતને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં બંધારણીય જોગવાઈઓ પ્રત્યે જાગૃતિ અને રસ કેળવાય તે હેતુથી ઓનલાઇન કિવઝ નુ આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સાથે જ આહવા કોલેજમાં પણ કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ. યુ. કે. ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૉલેજના IQAC વિભાગના સભ્યો, સમગ્ર અધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા બંધારણીય મૂલ્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાની વઘઇ તેમજ આહવા કોલેજ ખાતે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ અને શૈક્ષણિક વાતાવરણમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંવિધાન પ્રત્યે આદરભાવ, લોકશાહી મૂલ્યોની સમજ તથા જવાબદાર નાગરિક તરીકેની ફરજો પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



