
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
પાંચ મહિનાથી પોલીસને ચકમો આપતો અકસ્માતનો આરોપી સાપુતારામાં ઝડપાયો:
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કથી સાપુતારા પોલીસને મળી સફળતા:
દિનકર બંગાળ, આહવા: ગંભીર અકસ્માત સર્જી છેલ્લા પાંચ મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર રહેલા આરોપીને સાપુતારા પોલીસે ઝડપી પાડી કાયદાનો સકંજો કસ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાપુતારા ઘાટના હનુમાનજી વળાંક નજીક ફોર વ્હીલર ગાડી( KA-27-C-5273)ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક રોંગ સાઇડમાં વાહન હંકારી અને સામેથી આવતી મોટરસાઇકલ (GJ-30-C-7892) ને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૨૨ વર્ષીય ઈશાનભાઈ જીતેન્દ્રભાઈ જાદવનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
આ ગુનામાં BNSS કલમ ૭૨ મુજબ વોરંટ ધરાવતા કર્ણાટકના દેવાનગેરેના રહેવાસી ઇમરાન સ/ઓ નસરુલ્લાની શોધખોળ દરમિયાન સાપુતારા પોલીસને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ મારફતે ચોક્કસ બાતમી મળી હતી. આરોપી સાપુતારા ચેકપોસ્ટ પરથી પસાર થવાનો હોવાની માહિતી મળતાં પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીની સૂચના તથા સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.
પાંચ મહિનાથી ફરાર આરોપીને આખરે ઝડપી પાડતાં સાપુતારા પોલીસની સતર્કતા અને અસરકારક કામગીરીની ચારેકોર સરાહના થઈ રહી છે.



