
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વઘઈના સાદડમાળ ગામનો પરિવારનો માળો વેરવિખેર:
એક મહિનાથી ગુમ પતિની રાહ જોતી પત્નીની આખરે પોલીસ સમક્ષ મદદની ગુહાર લગાવી:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાદડમાળ ગામનો ૩૬ વર્ષીય વિનોદભાઈ ધનજુભાઈ ટોપલે રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પંથકમાં ચકચારી મચી છે. ગત ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વઘઈ બસસ્ટેન્ડ ખાતે જોવા મળ્યા બાદ તેઓ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. આખરે પત્ની મીનાબેને અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયાની આશંકા સાથે તારીખ ૦૭/૧૧/૨૦૨૬ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, વિનોદભાઈની પત્ની અને તેમનો પુત્ર મહારાષ્ટ્રના વાળી ગામે મજૂરી અર્થે ગયાં હતાં. વિનોદભાઈ ઘરે હતા અને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા, ગામની એક યુવતીએ તેમને ૨૬ સપ્ટેમ્બરના રોજ સાંજે વઘઈ બસસ્ટેન્ડ ખાતે જોયા હોવાનું પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ સગાં-સંબંધીઓ અને આસપાસનાં ગામોમાં વ્યાપક શોધખોળ કરવા છતાં તેમનો કોઈ સુરાગ મળ્યો નથી.
નોંધનીય છે કે, અગાઉ પણ વિનોદભાઈ કોઈને જાણ કર્યા વગર મજૂરી માટે બહારગામ જતા રહેતા હોવાથી પરિવારે શરૂઆતમાં પરત ફરવાની આશા રાખી હતી. પરંતુ ૧ મહિનાથી વધુ દિવસો થયા છતાં કોઈ ભાળ ન મળતાં પત્નીએ વઘઈ પોલીસનો દરવાજો ખખડાવ્યો છે.
ગુમ થયેલા વિનોદભાઈના જમણા ખભા પાસે હનુમાનજી અને સાપનાં ટેટૂ છે. ગુમ થયા ત્યારે તેમણે માટી રંગનું ચેક્સવાળું શર્ટ અને કાળું નાઇટ પેન્ટ પહેર્યું હતું. કોઈ અજાણ્યા શખ્સે તેમને લલચાવી કે છેતરીને લઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વઘઈ પોલીસે ફરિયાદના આધારે ગુમ યુવકની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.



