મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લાના યુવા સાયબર સુરક્ષા સંશોધક હેત પટેલને NASA તરફથી આંતરરાષ્ટ્રીય સન્માન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાના યુવા સાયબર સુરક્ષા સંશોધક હેત પટેલને NASA તરફથી આંતરરાષ્ટ્રીય સન્માન:

NASA દ્વારા પ્રશંસાપત્ર અને Hall of Fameમાં સ્થાન મળતાં ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના વઘઈ ગામના રહેવાસી અને યુવા સાયબર સુરક્ષા સંશોધક હેત દિપ્તેશ પટેલને વિશ્વવિખ્યાત અમેરિકન અવકાશ સંસ્થા NASA (National Aeronautics and Space Administration) તરફથી મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનથી સમગ્ર ડાંગ જિલ્લો ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

હેત પટેલે એક Independent Security Researcher તરીકે કાર્ય કરતાં NASAની સિસ્ટમમાં રહેલી એક મહત્વપૂર્ણ સુરક્ષા ખામી (Vulnerability) શોધી કાઢી હતી. ત્યાર બાદ તેણે NASAની Vulnerability Disclosure Policy (VDP) અનુસાર જવાબદારીપૂર્વક તેની જાણ સંસ્થાને કરી હતી. હેતના આ જવાબદાર અને વ્યાવસાયિક અભિગમની કદર કરતાં NASA દ્વારા તેને સત્તાવાર પ્રશંસાપત્ર (Letter of Appreciation) એનાયત કરવામાં આવ્યું છે. ઉપરાંત, તેના યોગદાનને માન્યતા આપતાં NASAના Hall of Fameમાં પણ તેનું નામ સ્થાન પામ્યું છે.

હેત પટેલે પોતાનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ ડાંગ જિલ્લામાં પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર ખાતે પ્રવેશ મેળવ્યો હતો. હાલમાં તે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM), વલ્લભ વિદ્યાનગર ખાતે **બી.ટેક. (ઇન્ફોર્મેશન ટેકનોલોજી)**ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. વિદ્યાર્થી જીવન દરમિયાન જ તેણે સાયબર સુરક્ષા, એથિકલ હેકિંગ અને માહિતી સુરક્ષા ક્ષેત્રે વિશેષ રસ લઈ પોતાની ટેકનિકલ કુશળતા વિકસાવી છે.

વિદ્યાર્થી અવસ્થામાં જ વિશ્વની અગ્રણી વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થા NASA તરફથી મળેલું આ સન્માન હેત પટેલની પ્રતિભા, મહેનત, ટેકનિકલ કુશળતા અને જવાબદાર અભિગમનું જીવંત પ્રતિબિંબ છે.

ડાંગ જેવા આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના યુવાને પોતાની પ્રતિભાના બળે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી હોવાથી આ સિદ્ધિ સમગ્ર જિલ્લાના યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

હેત પટેલની આ ઉપલબ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ વઘઈ ગામ, ડાંગ જિલ્લો અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. વિવિધ સામાજિક, શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રના આગેવાનો દ્વારા હેત પટેલને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તથા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ હેત પટેલે અમેરિકાની વિન્ડમિલ લેબ નામની કંપનીની વેબસાઇટ/સિસ્ટમમાં SQL Injection નામની સુરક્ષા ખામી શોધી કાઢી હતી, અને જવાબદારીપૂર્વક કંપનીને તેની જાણ (Responsible Disclosure) કરી હતી. આ સંશોધન અને ખામીની જાણ બદલ કંપની દ્વારા તેમણે એક હજાર અમેરિકી ડોલરની ચૂકવણી પણ કરવામાં આવી છે.

આ તેજસ્વી વિદ્યાર્થીના પિતા શ્રી દીપ્તેશભાઈએ પોતાના દીકરાની આ સિદ્ધિ બદલ તેની કોલેજના પ્રિન્સીપાલશ્રીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હોવાનું જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है