ક્રાઈમ

ડાંગ જિલ્લામાં ઓપરેશન મિલાપ હેઠળ ૩ વર્ષના બાળકનું માતા સાથે પુનઃમિલન, વઘઈ પોલીસની સરાહનીય કામગીરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં ઓપરેશન મિલાપ હેઠળ ૩ વર્ષના બાળકનું માતા સાથે પુનઃમિલન, વઘઈ પોલીસની સરાહનીય કામગીરી:

દિનકર બંગાળ, આહવા : ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગુમ થયેલા અને અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવા માટે શરૂ કરાયેલા “ઓપરેશન મિલાપ” અંતર્ગત વઘઈ પોલીસને વધુ એક સફળતા મળી છે. વઘઈ ટાઉન વિસ્તારમાં પરિવારથી વિખૂટા પડેલા ૩ વર્ષના બાળકને સુરક્ષિત રીતે શોધી તેની માતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસની શી ટીમ દ્વારા વઘઈ હાટ બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન બજારમાં એક ત્રણ વર્ષનું બાળક એકલું ભટકતું જોવા મળ્યું હતું. પોલીસ કર્મચારીઓએ બાળકને સુરક્ષિત રીતે વઘઈ પોલીસ સ્ટેશન લાવી તેની યોગ્ય સારસંભાળ રાખી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ બાળકના વાલી-વારસની શોધખોળ માટે ટેકનિકલ સાધનો તેમજ હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળક ડાંગ જિલ્લાના બરડા (વઘઈ) ગામનો રહેવાસી છે અને પોતાની માતા સાથે વઘઈ હાટ બજારમાં આવ્યો હતો. બજારમાં ભીડ દરમિયાન તે માતાથી વિખૂટો પડી ગયો હતો. પોલીસે બાળકની માતાનો સંપર્ક સાધી તેમને વઘઈ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને જરૂરી ચકાસણી બાદ બાળકને સુરક્ષિત રીતે માતાને સોંપવામાં આવ્યો હતો.

વઘઈ પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે પરિવારથી વિખૂટા પડેલા બાળકનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન શક્ય બન્યું છે. આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ પ્રશંસા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है