મારું ગામ મારાં ન્યુઝ

ડાંગમાં સરકારી કર્મચારીના અવસાન બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંવેદનશીલ કામગીરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ 

ડાંગમાં સરકારી કર્મચારીના અવસાન બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંવેદનશીલ કામગીરી:

શિક્ષક સ્વ. સહમભાઈ વસાવાના આશ્રિત પરિવારને રૂ.૧૪ લાખની સહાય

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પ્રવર્તમાન સંવેદનશીલ અભિગમ અંતર્ગત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (ડાંગ) દ્વારા ચાલુ નોકરીએ અવસાન પામેલ શિક્ષણ સહાયક સ્વ.શ્રી સહમભાઈ વિરજીભાઈ વસાવાના આશ્રિત પરિવારને રૂ. ૧૪ લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સુબિર (તા. સુબિર, જિ. ડાંગ) ખાતે શિક્ષણ સહાયક (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા શ્રી સહમભાઈ વિરજીભાઈ વસાવાનું ગત તારીખ ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ ચાલુ નોકરી દરમિયાન દુઃખદ અવસાન થયેલ હતું. આ દુઃખદ પ્રસંગે ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદીએ સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સ્વ. સહમભાઈ વસાવા અમારા ડાંગ જિલ્લા શિક્ષણ પરિવારના એક કર્મનિષ્ઠ અને અભિન્ન સભ્ય હતા. શાળામાં તેમની કામગીરી ખૂબ જ પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ રહી હતી. તેમના અકાળ અવસાનથી અમને પણ પરિવારના સદસ્ય ગુમાવ્યા જેટલું જ ઊંડું દુઃખ થયું છે. અમે સૌ આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારના દુઃખમાં સહભાગી છીએ અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.”

રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન ઠરાવની જોગવાઈ અનુસાર, ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર સરકારી કર્મચારીઓના આશ્રિત પરિવારને આર્થિક પીઠબળ પૂરું પાડવા માટે રૂ. ૧૪,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ચૌદ લાખ પૂરા) ની ઉચ્ચક નાણાકીય સહાય આપવાની જોગવાઈ અમલમાં છે. જે અન્વયે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ડાંગ દ્વારા ત્વરિત અને હકારાત્મક વલણ દાખવીને સ્વ. કર્મચારી શ્રી સહમભાઈ વસાવાના આશ્રિત (વારસદાર) ને ઉક્ત રૂ. ૧૪,૦૦,૦૦૦/- ની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે.

દુઃખની આ ઘડીમાં આશ્રિત પરિવારને સમયસર આર્થિક સહાય મળી રહે તે માટે ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા આ સંવેદનશીલ કામગીરી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है