
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં ગ્રામિણ ટુડેના અહેવાલની અસર, રૂ.૩.૧૮ લાખની છેતરપિંડી કરનાર વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો:
સમાચાર પ્રસિદ્ધ થયાના ગણતરીના દિવસોમાં સાપુતારા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને દબોચ્યો:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લામાં ગ્રામિણ ટુડે ન્યૂઝ દ્વારા થોડા દિવસો અગાઉ સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. ૩.૧૮ લાખની છેતરપિંડીના ગુનાના વોન્ટેડ આરોપી અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રકાશિત થયા બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું હોવાનું જોવા મળ્યું છે. ગ્રામિણ ટુડેના અહેવાલની અસર વચ્ચે સાપુતારા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક, આહવા વિભાગના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને સાપુતારા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી રમેશભાઈ છગનભાઈ ખસીયા, મૂળ લુવારવાવ (તા. પાલીતાણા, જિ. ભાવનગર)નો રહેવાસી, શામગહાન ગામે ભરતભાઈ પંડાભાઈ ગાવિતના ખેતરમાં ઈંટોના ભઠ્ઠાનું સંચાલન કરતો હતો. આરોપીએ ફરીયાદીને એક ઈંટના રૂ. ૪ લેખે નફાકારક વ્યવસાયનું પ્રલોભન આપી રૂ. ૮૦,૦૦૦ રોકડ મેળવ્યા હતા. ઉપરાંત અન્ય સાહેદો પાસેથી પણ રોકડ તેમજ ગુગલ-પે મારફતે રકમ મેળવી હતી.
આરોપીએ ઈંટો પૂરી પાડ્યા વગર જ ફરીયાદી અને અન્ય લોકોને વિશ્વાસમાં લઈને કુલ રૂ. ૩,૧૮,૦૦૦ ની છેતરપિંડી આચરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો. આ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ગ્રામિણ ટુડે ન્યુઝ દ્વારા આરોપીની ધરપકડ ન થતા અને પોલીસ કાર્યવાહી અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ વધુ તેજ બનાવી ટેકનિકલ અને માનવ સૂત્રોની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું અને સુરત ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીને સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



