
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડિજિટલ ગુજરાતના વિકાસ ને પોકળ સાબિત કરતું નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાનું નાનકડું ગામ ગારદા;
જર્જરિત આંગણવાડીઓમાં ભયના ઓથ હેઠળ ભણતું દેશનું ભાવી;
જર્જરિત અને ખંડેર આંગણવાડી માં ગામના નાના-નાના ભૂલકાઓ ભણવા મજબૂર;
અચાનક કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ? એક તરફ પાયાનાં શિક્ષણ માટે લાખોનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે જવાબદાર અધીકારીઓના પાપે ગ્રામીણ ભૂલકાઓ ખંડેરમાં પાયાનું શિક્ષણ મેળવવા મજબુર,
નર્મદા: દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને સમગ્ર દેશમાં મોડેલ તરીકે દર્શાવાય છે. ત્યારે ગુજરાતના નર્મદા જીલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળે છે.
ડેડીયાપાડા તાલુકાનું છેવાડાનું અંતરીયાળ ગામ ગારદા અહીયાની ભૌગોલીક પરિસ્થિતિ કઈક આવી છે કે એક તરફ નદી કિનારો અને બીજી તરફ ડુંગર અને વનરાજી માં વસેલું ગામ, આવી વિકટ પરિસ્થિતિ આજે ૨૦૨૧ના આધુનિક વર્ષમાં પણ જોવા મળે છે.
ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, જેના ઓટલાની તમામ પત્થરો (ટાઈલ્સ) નીકળી ગઈ છે, અને જેમાં સાપ, વીંછી જેવા સરીસર્પ ભરાઈ રહેતા હોય છે, ન કરે નારાયણ અગર કોઈ બાળક ને ડંખ મારે અને કોઈ ઘટના સર્જાય તો જવાબદાર કોણ?? એવા પ્રશ્નો હાલ ગ્રામ જનોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. અને જર્જરિત આંગણવાડી કે જેનો ઓરડો તેમજ રસોડું પણ જમીન માં બેસી ગયું છે, અને જેની છતના કોઈ ઠેકાણા નથી, જે ચોમાસા દરમિયાન આખી છત ગળી પડે છે, અને શોચાલય પણ ખંડેર હાલતમાં થઇ બિન ઉપયોગી થઈ જવા પામ્યું છે, તેમ છતાં જર્જરિત આંગણવાડીમાં એટલે મોતના મુખમાં બાળકોને ભણાવવા મજબૂર થવું પડ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી બાળકો ભણે છે. શિયાળો ઉનાળો,અને ચોમાસાની ત્રણેય ઋતુમાં આ બાળકોને કેવી તકલીફ પડતી હશે તે સમજી શકાય તેમ છે. છતાં પણ કોઈ અધિકારીઓને આ નજરમાં આવતું નથી.
ગામના લોકો માંગણી કરી રહ્યા છે કે હવે ખરાબ અને જર્જરીત હાલતમાં હોય તેવી આંગણવાડીઓ તરફ જવાબદાર વિભાગ અને સરકાર ધ્યાન આપે અને તેનું સમારકામ/નવીનીકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.