
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં “સુશાસનના પાંચ વર્ષ” ની ઉજવણીના આયોજન અંગે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
• સૌના સાથ, સૌના વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
• કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી તમામ SOPના પાલન સાથે તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાશે;
વ્યારા-તાપી પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજયમાં આગામી તા.૦૧ ઓગષ્ટ-૨૦૨૧ થી તા.૦૯/૦૮/૨૦૨૧ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે વ્યારા ખાતે જિલ્લા સેવાસદનના સભાખંડમાં કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના આયોજન અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારી ઓની બેઠક યોજાઈ હતી.
કલેકટર વઢવાણિયાએ નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે યોજનાના લાભાર્થીઓને લાવવા લઈ જવાની સુચારૂ વ્યવસ્થા સબંધિત અધિકારીએ કરવાની રહેશે. તમામ તાલુકાઓમાં એક કાર્યક્રમનું આયોજન કરી છેવાડાના માનવીને લાભ મળી રહે તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે. ખાસ કરીને કાર્યક્રમના સ્થળે કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ કરવા સહિત આનુષાંગિક વ્યવસ્થા ગોઠવવા જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. રાજયને મુખ્ય મંત્રીશ્રી રૂપાણીનું નેતૃત્વ મળ્યે આગામી ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થશે તેના નિમિત્તે “પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના”…. અંતર્ગત યોજાનાર કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આ નિમિત્તે સૌના સાથ, સૌના વિકાસ… થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે લોકોપયોગી કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જન ભાગીદારીથી જન ઉપયોગી કાર્યો- સેવાઓને વધુ સઘન બનાવાશે અને વિવિધ ફ્લેગ શીપ યોજનાઓનો વ્યાપ પણ વધારાશે.
જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે જણાવ્યું હતું કે, વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરીને જિલ્લામાં આ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરી ક્યાંય નિયમોનો ભંગ ન થાય તેની તકેદારી રાખવાનું સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, “પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના”….અંતર્ગત આગામી તા. ૧લી ઓગષ્ટ રવિવારના રોજ ‘‘જ્ઞાનશક્તિ દિવસ’’અંતર્ગતશિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરી રાજયના શિક્ષણ ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પ્રયત્નો કરાશે. તે જ રીતે બીજી ઓગષ્ટ – સોમવારે સેવા સેતુ કાર્યક્રમોના આયોજન થકી ‘‘સંવેદના દિવસ’’અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે. તા. ૪થી ઓગષ્ટે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ‘‘નારી ગૌરવ દિવસ’’નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમો કરાશે. તા.૫ મી ઓગસ્ટે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના – સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને“ કિસાન સન્માન દિવસ” ના કાર્યક્રમો કરાશે. રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રોજગાર મેળાઓ સહિતના વિવિધ કાર્યક્રમો થકી તા.૦૬ ઓગસ્ટે“ રોજગાર દિવસ”ના અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યકમો યોજાશે.તા.૦૭મી ઓગસ્ટે “ વિકાસ દિવસ” અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી અવિરત વિકાસની પ્રક્રિયાને વધુ તીવ્ર ગતિથી આગળ લઇ જવાશે. તા.૦૮મી ઓગસ્ટે “શહેરી જન સુખાકારી દિન” અંતર્ગત શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. તે જ રીતે તા.૦૯મી ઓગસ્ટે“ વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં અનેક વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે.
રાજ્યના મુખ્ય મંત્રીશ્રી, નાયબ મુખ્ય મંત્રીશ્રી, સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, બોર્ડ – કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, વ્યારા પ્રાંત અધિકારી હિતેશ જોષી, નિઝર પ્રાંત અધિકારી મેહુલ દેસાઇ, ગ્રામ વિકાસ નિયામક જે.જે.નિનામા, માર્ગ અને મકાન સ્ટેટ કાર્યપાલક ઈજનેર મનીષભાઈ પટેલ સહિત નોડલ અધિકારીઓ ઉપિસ્થત રહ્યા હતા.