
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ, રિવોલ્વીંગ ફંડ અને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો;
રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે તા.૧૭ મી સપ્ટેમ્બર ને શનિવારના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના પાંચ તાલુકા અને રાજપીપલા નગરપાલિકા વિસ્તારના મળી કુલ-૬૧૭ જેટલાં સ્વ-સહાય જૂથોને કુલ રૂા.૬૩૨.૬૪ લાખની કેશ ક્રેડિટ, રિવોલ્વીંગ ફંડ અને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકનું ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સ્વ-સહાય જૂથના બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસે સમગ્ર નર્મદા જિલ્લા વતી તેમને શુભકામનાઓ પાઠવતા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ વડાપ્રધાનશ્રીના મહિલા સશક્તિકરણના કાર્યને યાદ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્રતા પુરી પાડવા અને તેઓ પગભર બની પરિવારના સંચાલનમાં સહભાગી બની શકે તે માટે કરેલા પ્રયાસના ભાગરૂપે મિશન મંગલમની કરેલી શરૂઆત આજે વિશાળ વટવૃક્ષ બની ગઇ છે સરકારશ્રીની વિવિધ યોજનાના માધ્યમથી સખી મંડળની બહેનો આજે સમૃધ્ધ થઇ છે અને તેના થકી આત્મનિર્ભર બની પોતાના પરિવારની આજિવિકા ચલાવવામાં આગળ આવી છે. જે સાચા અર્થમાં વડાપ્રધાનશ્રીના મહિલા ઉત્કર્ષના સ્વપ્નને આજે સાકાર કરી રહી છે.
વડાપ્રધાનશ્રીના મહિલા સશક્તિકરણ સ્વપ્નને સાકર કરતા આ કાર્યક્રમમા, નર્મદા જિલ્લામા કાર્યરત સ્વસહાય જુથો પૈકી ૬૧૭ સખી મંડળોને રૂા. ૬૩૨.૬૪ લાખની લોન મંજુર કરવા સાથે, ૧૦૫ સખી મંડળોને રૂા. ૨૬.૪૩ લાખનુ રીવોલ્વિંગ ફંડ, અને ૩૪૪ સખી મંડળોને રૂા.૪૦૭.૪૧ લાખની કેશ ક્રેડિટ લોન અને ૧૬૮ સખી મંડળોને રૂા ૧૯૮.૮ લાખનું કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામા આવ્યું હતુ.
રાજપીપલા ખાતે આયોજીત કેશ ક્રેડિટ કેમ્પમાં રૂા.૧૦.૫૦ લાખની ક્રેડિટ મેળવનાર તિલકવાડાના શ્રીમતી દિવાળીબેન નવઘણભાઇ વસાવાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે ભાગ્યલક્ષ્મી સખી મંડળની પાંચેક વર્ષ પૂર્વે શરૂઆત કરી હતી. ત્યારબાદ ગામમાંથી અન્ય બહેનો પણ સખી મંડળો બનાવવા માટે તૈયાર થતાં કુલ-૦૭ જેટલાં સખી મંડળો શરૂ થયાં આ તમામ મંડળોએ ભેગા મળી અમે શિવ સખી સંઘની રચના કરી હતી.
સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા ઉક્ત કાર્યક્રમના સ્થળે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાંદોદ અને ગરૂડેશ્વરના આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.એસ.સુમનના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત ૧૨ જેટલાં તબીબોની ટીમે મહિલાઓના બ્લડ પ્રેસર, સુગર, હિમોગ્લોબિન, હાઇપરટેન્શન, ડાયાબિટીશ તેમજ આંખ અને કાનની નોન કમ્યુનિકેબલ ડીસીઝની સ્થળ પર જ ચકાસણી કરી હતી. સાથોસાથ આયુષ્યમાન કાર્ડ અને કુટુંબ નિયોજન અંગે પણ મહિલાઓનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે નિ:શૂલ્ક દવાઓના વિતરણ સાથે વેક્સિનેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.
રાજપીપલાના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયેલા વિશ્વાસ થી વિકાસ યાત્રાના મહિલા સશક્તિકરણના કાર્યક્રમમા ભાગરૂપે આયોજિત સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કરવાના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી, નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધી, જિલ્લાના અગ્રણીશ્રી વિક્રમભાઇ તડવી, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.