
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ સર્જન વસાવા
સુરત જિલ્લા ના માંડવી માં ડે.ક્લેક્ટરની ઓળખ આપી ખેડૂત પાસેથી 22 લાખ જેટલી માતબર રકમ ખંખેરી લીઘી;
માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં ઠગ અને બનાવટી ડે. કલેક્ટર બની ફરતી મહિલા નેહા પટેલ ને ઝડપી પાડી;
અગાઉ ડેડીયાપાડા ખાતે નકલી ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ઓળખ આપવાનો કિસ્સો ચોપડે નોંધાયો હતો..
માંડવી: સુરત જિલ્લાના માંડવી ખાતે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી છેતરપિંડી કરવા ની ઘટના સામે આવી છે, પોલીસે બનાવટી ડે. કલેક્ટર બની ફરતી બારડોલીના બાબેન ગામની નેહા પટેલની અટકાયત કરી હતી. કેવડિયામાં વિકાસ કામોના ટેન્ડરમાં પૈસા રોકવાનું જણાવી માંડવીના તારાપુર ગામના એક ખેડૂત સાથે 22 લાખની છેતરપિંડી કરી હતી.
લોકો કોર્ટ અને કચેરી ની દોડધામ અને બદનામીના ડર થી આવા કિસ્સામાં ફરિયાદ નોંધાવતા નથી .. પરંતુ આવા કેટલાય ચીટરો સામે અવાજ ઉઠાવવો જોઈએ અને સચ્ચાઈ સામે લાવવી જોઈએ.. પોલીસ ની વધુ તપાસ ચીટર ની બીજી અન્ય કાળી કરતૂત બહાર લાવે તેવી હવે લોક માંગ ઉઠી છે.
સુરત જિલ્લામાં બનાવટી ડે. કલેક્ટર બની ફરતી નેહા પટેલનું ડેડીયાપાડા બાદ હવે વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં આ વખતે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડૂત સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. માંડવીના તારાપુર ગામના ખેડૂત રામુભાઈ દેવજીભાઈ ચૌધરીએ ફૂલવાડી મેલડીમાંનું મંદિર બનાવ્યું છે. જ્યાં વર્ષ ૨૦૧૬ માં લોક ડાયરો રાખવામાં આવ્યો હતો. એ દરમિયાન નયનાબેન નામની મહિલા સાથે આવેલ નેહા પટેલનો સંપર્ક થયો હતો. એ નયનાબેન નામની મહિલા અને બારડોલીના બાબેન રહેતી નેહા પટેલ એક દિવસ રામુભાઈના ઘરે પહોંચી હતી. જ્યાં રામુ ચૌધરી આગળ મોટી મોટી વાતો કરી પોતે ડે. કલેક્ટરની ઓળખ આપી હતી. તેમજ નેહા પટેલ પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ કામ કરતી હોવાનું જણાવી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ કામગીરી તેમજ જમીન સંપાદનનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું. એ વિકાસ કામોનું ટેન્ડર ભરી કમાણી કરવા જણાવ્યું હતું. તેમજ રોકેલ પૈસા કમિશન સાથે મળી જવાની પણ લાલચ આપી હતી.
ટેન્ડર પેટે નેહા પટેલે ખેડૂત રામુભાઈ ચૌધરી પાસે ટુકડે ટુકડે 22.28 લાખ ખંખેરી લીધા હતા. બાદમાં કમિશન તેમજ મૂળ રકમ પણ નહીં આવી હતી. વારંવાર નેહા પટેલ ગોળ ગોળ જવાબ આપતા રામુભાઈને નેહા પટેલ બનાવટી હોવાની આશંકા ઉભી થઇ હતી. જેથી તેઓએ માંડવી પોલીસની મદદ લીધી હતી. માંડવી પોલીસએ ગણતરીના કલાકોમાં ઠગ અને બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની અટકાયત કરી લીધી હતી.
વર્ષ ૨૦૧૬ની સાલમાં અનેક ધાર્મિક પ્રસંગોમાં ભેગા થયેલા મોટા લોકો સાથે સંપર્ક કેળવી લેતી. ઠગાઈ કરતી હોવાના કિસ્સા બની ચુક્યા છે. જેમાં વર્ષ ૨૦૧૬ માં સુરત શહેરના ડભોલી ચાર રસ્તા પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના દરેડ ગામના યોગેશભાઈ મનસુખભાઈ વિરાણી સાથે મુલાકાત થઈ હતી. જ્યાં યોગેશ ભાઈ મારફતે તેમની મુલાકાત મહેશ લવર નામના વ્યક્તિ સાથે થઈ હતી. મહેશે પોતે જમીનને લગતું કામ કરતો હોવાનું જણાવતા યોગેશે તેની જામનગર ખાતે આવેલી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝૉનમાં ફેરવવા માટે જણાવ્યુ હતું. આથી જમીનના ડૉક્યુમેન્ટ મોબાઇલમાં મોકલતા બે દિવસ બાદ મહેશ નામના ઈસમે યોગેશભાઈને બારડોલીના બાબેન ગામે મળવા બોલાવ્યા હતા. જ્યાં મહેશે નેહા ધર્મેશ પટેલની ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપી યોગેશ સાથે મુલાકાત કરાવી હતી.
હાલ વડોદરામાં પોસ્ટિંગ હોવાનું જણાવ્યુ હતું. કામ કરવા માટે નેહા પટેલે અવાર નવાર રકમ મેળવી 32 લાખ પડાવી લીધા હતા. જે બાબતે અડાજણ, અને ડેડીયાપાડા પોલીસ મથકે પણ ગુનાઓ નોંધાયા હતા.