
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લામા નાની રકમની ચલણી નોટ તથા સિક્કા નહિ ચલાવનારા વેપારીઓ ધ્યાન આપે:
આહવા: રાજ્યના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ તથા શહેરોમા પણ કેટલાક વેપારીઓ, ધંધાદારીઓ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામા આવેલ નાની રકમની ચલણી નોટો, તથા સિક્કાઓ ન સ્વીકારી ગ્રાહકોને મૂંઝવણમા મૂકી દેતા હોય છે. તેવા વેપારીઓ સામે ડાંગ જિલ્લા પ્રશાસને લાલ આંખ કરી છે.
ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાના જણાવ્યા અનુસાર જો ભારતનો કોઈ પણ નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરવામા આવેલુ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે, તો તેવી વ્યક્તિ ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૪-એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી હાથ ધરી શકાય છે. ચલણી સિક્કા રૂપે નાણાં નહિ સ્વીકારવા અથવા ચલણ નહિ વટાવવું એ ગુનો બને છે,
જેથી ડાંગ જિલ્લામા જ્યારે મોટાભાગની પ્રજા શ્રમિક વર્ગની છે ત્યારે, તેમને નાની રકમની ચલણી નોટ કે ચલણી સિક્કા ન સ્વીકારીને કફોડી હાલતમા મુકતા દુકાનદારો, ધંધાર્થીઓ, વેપારીઓને આ બાબત સુનિશ્ચિત કરવાની તાકીદ કરવામા આવી છે.