
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા
કોંઢના સ્કૂલ ફળિયાને જોડતો કુલ 1.1 કરોડના ખર્ચે પુલ બનશે;
વાલિયા તાલુકાના કોંઢ ગામની ગ્રામ પંચાયતમાં ગુજરાત ગાર્ડિયન કંપની ગામના વિકાસના કાર્યો કરતી રહે છે. કોંઢ ગામના મોરા ફળિયાના 650 લોકોને ખાડીના સામે પાર સ્કૂલ ફળિયામાં જવા માટે માત્ર વચ્ચે બનાવેલ બંધારા ઉપરથી જોખમી અવરજવર કરવી પડતી હતી. આ બાબતે પંચાયત દ્વારા પુલ બનાવવા ઠરાવો પણ ઘણી વખત કરી સરકારમાં રજુઆત કરી હતી.
પરંતુ ખર્ચ વધુ હોવાથી મંજુર નહિ થતા આ પુલ બનાવવા ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત ગાર્ડિયન કંપનીને સરપંચ અને તલાટીએ પત્ર વ્યવહાર કરી માંગણી કરતા કંપનીએ સીએસઆર હેઠળ 1.1 કરોડના ખર્ચે મંજુર કરી આજે પુલનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કંપની પાસેથી સીએસઆર હેઠળ ગ્રામ પંચાયતે સ્વચ્છતા અભિયાન માટે ટ્રેકટર, ટ્રેલર, ગામનો પ્રવેશ દ્વાર, રસ્તા અને ગામના રસ્તાઓ પર વૃક્ષ વાવી ટ્રી ગાર્ડન ની માંગણી કરેલ છે. પુલનું ખાતમુહૂર્ત ગુજરાત ગાર્ડિયનના મેનેજમેન્ટના અધિકારીઓ અને અર્ચના કે. વસાવા સરપંચશ્રી કોંઢ, ગ્રામજનો અને પંચાયતના ડે. સરપંચ સહિત પંચાયત સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કોંઢ ગામની આ વર્ષોથી માંગણી હતી કે આ પુલ બને અને ગામ આખું એક થઈ જાય અને ગામના લોકોની સુરક્ષા જળવાય અકસ્માતથી બચે બાળકો શાળાએ જવા અને નાગરિકોને સારી સુવિધા મળે ચોમાસામાં કોંઢ ગામ બે ભાગમાં વેહેંચાય જતું હતું, અને સંપર્ક વિહોણા થઈ જતાં હતાં તેમાં મોરા ફળિયાના લોકોને આ બંધારા ઉપરથી આવવા જવામાં જીવનો જોખમ રહેતું હતું અને અગાઉ નવ લોકોના જીવ ગયા ની દુઃખદ ઘટના બનવા પામી છે હવે આ પુલનું નિર્માણ થવા થી ગામના લોકોના જીવ બચી શકશે અને ગામના આ બે ફળિયા ગામનાં સંપર્કમાં આવી એક થશે.