
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે કાર્યરત સુરતી બકરા સંવર્ધન એકમમા ઉત્તમ જાતના સુરતી બકરાનો ઉછેર કરાઈ રહ્યો છે;
ગ્રામ્ય વિસ્તારોમા સુરતી બકરાની ઓલાદોનું સંવર્ધન વધે તે માટેના સ્તુત્ય પ્રયાશો!!!
નર્મદાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે સુરતી બકરા સંવર્ધન એકમ આવેલું છે. જેને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.પ્રમોદકુમાર વર્માના માર્ગદર્શન હેઠળ ખુબ સુંદર રીતે તેનો વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં બકરાઓના આદર્શ રહેઠાણ માટેની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે આવેલ સુરતી બકરા સંવર્ધન એકમમા કાર્યરત પશુ વિજ્ઞાનક્ષેત્રના વૈજ્ઞાનિક, ધર્મેશ બીન્સરાએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું છે કે અહીં (1)બકરા ઘર છે, ( 2)લવારા ઘર છે, અને (3)બકરીઓનું રહેઠાણ પણ છે. તેની સાથે ઉત્તમ બકરાપાલન કેવી રીતે કરી શકાય અને ગ્રામ્ય સ્તરે રોજગારી કેવી રીતે મળી શકે તેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ વિસ્તારના ગામડાઓમાં સુરતી બકરાનો વધારામાં વધારે ફેલાવો થાય અને ખેડૂતો ઉપયોગ કરેતેવા જાગૃતિના પ્રયાશો પણ કરવામાં આવી રહ્યાં છે.
અહી સાત જેટલા બકરાના યુનિટ છે. જ્યાં એનું સંવર્ધન કરવામાં આવે છે. સારી જાતની ઓલાદો તૈયાર કરવામાં આવે છે, અને એનો ફેલાવો સમગ્ર જિલ્લામાં કરવામાં આવે છે.
એ ઉપરાંત અહીંયા જે નર બકરા છે તેને આઈસીઆઈસી ફાઉન્ડેશનમાં પણ આપવામાં આવે છે. જેથી ગામડા સ્તરે જે લોકો બકરા પાલન કરી રહ્યા છે તેમની ઓલાદ અને જાતોમાં સુધારો કરી શકાય છે. સુરતી બકરાની ઓલાદ આ દક્ષિણ ગુજરાતમાં સારામાં સારી જાત ગણાય છે.
આ બકરાઓ દ્વારા સારું માસ મળે છે. અને દૂધનું પણ ખૂબ સારું ઉત્પાદન થાય છે. તેનાથી ખેડૂતોને સારી એવી રોજગારી પણ મળી રહે તેવા પ્રયાશો કરાય છે.
સુરતી બકરીની એક વિશેષ ખાસિયત એ છે કે આ બકરી રોજનું દોઢથી બે લીટર દિવસમાં દૂધ આપે છે. બકરાનું દૂધ ઔષધીય ગુણ ધરાવે છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું ગણાય છે.એની લોકોમાં જાગૃતિ આવે તે અંગે જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા