
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાજપીપળામાં નેશનલ હાઈવે 56 માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી કામગીરીની શરૂઆત:
અસરગ્રસ્ત ખેડુતોએ નર્મદા જિલ્લા કલેકટર, નાંદોદ ધારાસભ્યને આવેદનપત્ર આપી નેશનલ હાઈવે 56 માટે જમીન માપણી કામગીરીનો નોંધાવ્યો વિરોધ:
નર્મદા જિલ્લા માંથી પસાર થતા શામળાજી થી વાપી સુધીના નેશનલ હાઈવેનો અસરગ્રસ્ત ખેડુતો વિરોધ કરી રહ્યા છે. અગાઉ જ્યારે આ નેશનલ હાઈવે નું જાહેરનામું બહાર પડ્યું ત્યારે આસપાસના ગ્રામજનોએ આ હાઈવેનો વિરોધ નોંધાવતો ઠરાવ પસાર કર્યો હતો. તો બીજી બાજુ જમીન માપણીની કામગીરીમાં લોકો સહયોગ આપે એ માટે નાંદોદ પ્રાંત અધિકારીઓએ ખેડુતો સાથે એક બેઠક પણ કરી હતી. એ બેઠકમા ખેડુતોએ જમીન માપણીનો સખત વિરોધ કર્યો હતો. હવે ખેડુતોનો મિજાજ પારખી જતાં નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ નેશનલ હાઇવે ઓથોરિટીના અઘિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન માપણીની કામગીરીનો આરંભ કરી દીધો છે. જો કે જમીન માપણી દરમિયાન કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.
એક તરફ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જમીન માપણી કરી રહ્યા હતા તો બીજી બાજુ અસરગ્રસ્ત ખેડુતોએ નર્મદા જિલ્લા કલેકટર અને નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને લેખીત રજુઆત કરી હાઈવે ની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. અસરગ્રસ્ત ખેડુતોએ નર્મદા જિલ્લા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે જે જમીન પર ખેડુતોનો જીવન નિર્વાહ ચાલે છે એવા વાવડી તથા જીતનગર ખેડુતોના આખા ખેતરો આ હાઈવેમાં નાશ પામે છે. આ બાયપાસ રોડમાં ત્રણ સોસાયટીઓને પણ નુકશાન થાય છે, આ સોસાયટીને નુકશાન થવાથી આશરે 100 જેટલા પરિવારો જમીન પર આવી જશે. જુના ફોરલેન રોડની બાજુમાં બીજો 8 માર્ગીય બને એમ છે તે છતાં આ રસ્તો બાયપાસ કરવાથી અનેક ખેડુતો તથા રહીશો બે ઘર બને એમ છે. અમારી રોજી રોટી ખેતી પર નભે છે, નરેન્દ્ર મોદીની સરકાર ગરીબોની સરકાર કહેવાય છે ત્યારે ગરીબ ખેડુતોની મહામૂલી જમીન ન જાય એવી અમારી વિનંતી છે. ગ્રામસભામાં પણ તમામ ખેડુતોએ આ હાઈવેનો વિરોધ નોંધાવ્યો હતો, પંચાયત કાયદા મુજબ આદિવાસી વિસ્તારમાં પેસા એક્ટ મુજબ ગ્રામસભા જે નક્કી કરે એ મુજબ અનુસરવું પડે છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા