
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૮ મી માર્ચેથી તા.૧૨ મી એપ્રિલ સુધી યોજાશે:
નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે;
નર્મદા જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમકર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને માધ્યમો સાથે જિલ્લા કલેક્ટરશ્રી શાહે કરેલો સીધો સંવાદ;
જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે આગામી તા.૨૮ મી માર્ચથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહની યોજાનારી જાહેર પરીક્ષાઓ સંદર્ભે નર્મદા જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમકર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા જ જીવનની આખરી પરીક્ષા નથી હોતી. આ પરીક્ષાઓથી હાર કે જીત નક્કી નથી કરી શકાતી તેમ જણાવી વધુમાં, વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવાની સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર જિલ્લા પ્રશાસન દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
વધુમાં શ્રી શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં જિલ્લાના કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં જિલ્લાના ૨૪-પરીક્ષા કેન્દ્રો અને ૪૫-પરીક્ષા બિલ્ડીંગોમાં ૫૧૬ બ્લોકમાં પરીક્ષા લેવાશે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. ગેરરીતી કરનાર કે કરાવનાર કોઇપણ વ્યકિત કેમેરામાં કેદ થઇ જશે. કેમેરાના ફુટેજના આધારે આવી વ્યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપલબ્ધ રહશે. CRPC ની કલમ-૧૪૪, પરીક્ષા સ્થળથી ૧૦૦ મીટર અંતરે ઝેરોક્ષ પર પ્રતિબંધ અને પરીક્ષા સ્થળમાં બિન-અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ અંગેના જાહેરનામાં પ્રસિધ્ધ કરાયાં છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે અલગ બસની વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત પરીક્ષા સમય દરમિયાન વીજ પુરવઠો પણ સતત ચાલુ રહે તે રીતનું સુચારૂં આયોજન કરવાની સાથે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે કંન્ટ્રોલ રૂમનીની પણ વ્યવસ્થા ઉભી કરાઇ હોવાનું શ્રી શાહે ઉમેર્યું હતું.