
શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં હિન્દુસ્તાન ઝીંક લીમીટેડ અને દિપક ફાઉન્ડેશનના સહયોગથી “ફરતું દવાખાનું” એમ્બ્યુલન્સ વાનની સેવા શરૂ કરાઇ;
જીલ્લા કલેકટર આર.જે.હાલાણીના હસ્તે રિબીન કાપી તથા તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારના હસ્તે લીલી ઝંડી આપી “ફરતું દવાખાનું” એમ્બ્યુલન્સ વાનની સેવા શરૂ કરાઈ:
વ્યારા-તાપી તા.16: તાપી જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર, હિન્દુસ્તાન ઝીંક લીમીટેડ અને દિપક ફાઉન્ડેશનના સહયોગથી ફરતું દવાખાનું” એમ્બ્યુલન્સ વાનની સેવા શરૂ કરાઈ છે. જેનું આજ રોજ તાપી જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટર આર.જે.હાલાણીના હસ્તે રિબીન કાપીને તથા તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારના હસ્તે લીલી ઝંડી આપી “ફરતું દવાખાનું” એમ્બ્યુલન્સ વાનની સેવા શરૂ કરાઈ છે.
તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢના ૧૬ અંતરિયાળ ગામોમાં આ વાન દ્વારા નિ:શુલ્ક પ્રાથમિક આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં આવશે. અઠવાડિયા દરમિયાન તમામ ગામોની આ વાન મુલાકાત લેશે. આમ ગામના લોકોને દર અઠવાડિયે ઘર આંગણે પ્રાથમિક તબીબી સુવિધાઓ મળશે. આ ઉપરાંત હેલ્થ કેમ્પનું આયોજન, વિવિધ રોગોના નિદાન અને કાઉન્સેલીંગ દ્વારા દવાઓ આપવી, મહિલા અને કિશોરીઓની નિયમિત તપાસ, ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓની લોહીની તપાસ, ૦-૩ વર્ષના બાળકોની તપાસ,બ્લડ પ્રેશર અને સુગરની તપાસ સાથે જરૂરી સલાહ અને સુચનો આપવા જેવી સુવિધાઓ આપવામાં આવશે. જેના માટે વાનમાં મેડિક્લ ઓફીસર,નર્સ, કાઉન્સેલર, અને ડ્રાઇવર ઉપસ્થિત રહેશે. એમ્બ્યુલન્સ વાનના ઉદઘાટન કાર્યક્રમમાં હિન્દુસ્તાન ઝીંક લીમીટેડ, દિપક ફાઉન્ડેશનના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.