બિઝનેસવિશેષ મુલાકાત

ગ્લોબલ કનેક્ટ મિશન-૮૪ અંતર્ગત સુરત ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  સુરત, ફતેહ બેલીમ

SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ અંતર્ગત સુરત ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

ભારતમાં આરોગ્ય ક્ષેત્ર વેપારનું નહીં પરંતુ સેવાનું ક્ષેત્ર

કોરોનાકાળ બાદ ભારતે વિશ્વસનીય રાષ્ટ્રની છબી વૈશ્વિક સ્તરે અંકિત કરી છે, 

ભારત અને ભારતીયો સમૃદ્ધ વિરાસતના વાહક; આગળ વધવા માટે પાછળ જોવું એ વડાપ્રધાનશ્રીનું આગવું વિઝન:- કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

ઉદ્યોગકારો એક્ષ્પોર્ટ વધારવા અને નવા ઉદ્યોગ સાહસિકો એક્ષ્પોર્ટ શરૂ કરવા માટે સંકલ્પબદ્ધ થયા, 

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે ઉદ્યોગકારોના સામૂહિક પ્રયાસો :-ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરતઃ  “એક સમય હતો કે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને સંસાધનોમાં ભારત અન્ય દેશો પર નિર્ભર હતો, પરંતુ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હવે ફાર્મા ક્ષેત્રે આપણે આત્મનિર્ભર થયા છીએ. એટલું જ નહીં, મેઈક ઈન ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત દેશમાં મેડિકલ ડિવાઈસીસ અને દવાઓના નિર્માણ તેમજ ઈનોવેશન અને રિસર્ચને પ્રાથમિકતા અપાઈ છે” એમ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ અંતર્ગત પ્લેટિનમ હોલ, સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે કેન્દ્રીય આરોગ્ય, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ઉદ્યોગકારો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું. કેન્દ્રિય મંત્રીશ્રીએ સરકાર અને ઉદ્યોગકારોની પરસ્પર અપેક્ષા વિષે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ વેળાએ કેન્દ્રિય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારોએ એક્ષ્પોર્ટ વધારવા માટે તેમજ નવા ઉદ્યોગ સાહસિકો એક્ષ્પોર્ટ શરૂ કરવા માટે સ્વયંભૂ સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, મોંઘી હેલ્થ સર્વિસીસ, ઈક્વિપમેન્ટ્સ અને દવાઓ સામાન્ય જન અને ગરીબ જરૂરતમંદ લોકોને હવે આસાનીથી મળતા થયા છે. વિશ્વભરમાં ભારતે બેસ્ટ કોવિડ મેનેજમેન્ટ કર્યું હતું, પરિણામે ભારતીય નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવામાં સફળતા મળી હતી. કોવિડના સમયમાં દેશની જરૂરિયાત પૂર્ણ કરવાની સાથે મેડિકલ ડાયગ્નોસ્ટિક કિટ્સ, રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ્સ, આરટી- (પીસીઆર કિટ્સ, વેક્સીન ખૂબ જ ઝડપી ગતિએ પ્રદાન કરીને વિશ્વના અન્ય દેશોને “વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાી સહાય કરવામાં આવી હતી. પરિણામે કોરોના કાળ બાદ ભારતે વિશ્વસનીય રાષ્ટ્રની છબી વૈશ્વિક સ્તરે અંકિત કરી છે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રી માંડવિયાએ ભારતમાં આરોગ્ય ક્ષેત્ર વેપાર નહીં, સેવાનું ક્ષેત્ર છે એમ જણાવી ઉમેર્યું કે, “નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસી ૨૦૨૩ ઉપરાંત સરકારે તાજેતરમાં જ મેડિકલ ડિવાઈસીસ માટે એક્સપોર્ટ-પ્રમોશન કાઉન્સિલ અને મેડિકલ ડિવાઈસ ક્લસ્ટરની સહાય માટેની યોજના શરૂ કરી છે. ચિકિત્સા ઉપકરણોના ચાર લક્ષિત સેગમેન્ટ માટે ચિકિત્સા ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના અને “પ્રમોશન ઓફ મેડિકલ ડિવાઈસીસ પાર્ક્સ” યોજના દેશના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને નવી દિશા આપશે.

ભારત અને ભારતીયો સમૃદ્ધ વિરાસતના વાહક છે. આગળ વધવા માટે પાછળ જોવું એ વડાપ્રધાનશ્રીનું આગવું વિઝન છે એમ જણાવતા મંત્રીશ્રીએ દેશની ઉભરતી અર્થવ્યવસ્થા અને કોરોનાના વિકટ સમય બાદ પણ ભારતે ૭ ટકાના દરે જી.ડી.પી. ગ્રોથથી વિકાસની ગતિ જાળવી રાખીને દેશને વિકાસના નવા મુકામ પર પહોંચાડયો હોવાનું તેમજ કોરોના કાળ બાદ ભારતે વિશ્વસનીય રાષ્ટ્રની છબી વૈશ્વિક સ્તરે અંકિત કરી છે એમ ગર્વથી જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર ગરીબ, મધ્યમવર્ગીય નાગરિકો માટે સંવેદનશીલ છે, સાથોસાથ ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી હોવાનું જણાવી તેમણે સરકારના અનેકવિધ પગલાઓ અને યોજનાની વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત, લોથલ અને મોહે જો દરોની ૫ હજાર વર્ષ જૂની અતિ પ્રાચીન સભ્યતાઓની વિસ્તૃત છણાવટ કરી હતી, આ ભારત પ્રાચીનકાળથી જ ઉદ્યોગ-વ્યાપાર, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગવું સ્થાન ધરાવતું હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા ૮૪૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સંકલ્પબદ્ધ થનાર ઉદ્યોગકારોને તેમણે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતને ૫ ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક અપાયો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ પ્રયાસો કરાઈ રહયા છે.

ચેમ્બર પ્રમુખશ્રીએ આ વેળાએ ભારતની આર્થિક ક્ષમતાઓ, ઔદ્યોગિક મજબૂતી અને ઔદ્યોગિક વિકાસ અંગે રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં તેમણે SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ પ્રોજેક્ટની વિગતો આપતા કહ્યું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ ઉદ્યોગકારો અને એક્ષ્પોર્ટરોને જોડવામાં આવશે અને એક્ષ્પોર્ટ વધારવા હાંકલ કરવામાં આવશે. આ ઉદ્યોગકારો પણ ઈન્ટરનેશનલ ટ્રેડ અને એક્ષ્પોર્ટ વધારવામાં યોગદાન આપશે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે મિશન ૮૪ અંતર્ગત પ્રયાસ કરવામાં આવશે.કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડીયા તેમજ મોટી સંખ્યામાં અમદાવાદ, અંકલેશ્વર, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, પાનોલી સહિતના વિસ્તારોના ઈન્ડસ્ટ્રીયલ એસો.ના સભ્યો પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતને મજબૂત ગ્લોબલ ઈકોનોમી બનાવવા ચેમ્બરનો SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪પ્રોજેક્ટ: 

ભારતની અર્થ વ્યવસ્થાને મજબુત કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આ વર્ષે SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઉદ્યોગકારો માટે ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મમાં રાજ્યમાં ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા-જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ ભારતીય ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરાશે તેઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है