
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખાસલેખ:
તાપી જિલ્લાને પ્રેરણાદાયી ઓળખ આપનાર મહિલા રમીલાબેન ગામીત (પદ્મશ્રી)
તાપી જિલ્લાના પ્રથમ મહિલા પદ્મશ્રી વિજેતા રમીલાબેન રાયસિંગભાઈ ગામીત
“કોઇની મદદ માટે પૈસાની નહી પરંતું પ્રેરણાની જરૂર હોય છે. એક પ્રેરણા માણસના સમગ્ર અભિગમને ધરમૂળથી બદલી નાખે છે:” રમીલાબેન ગામીત
વ્યારા-તાપી: નવભારતના નિર્માણમાં ગુજરાત અને ગુજરાતીઓની અગ્રિમ ભૂમિકા રહી છે તેમાં પણ સામર્થ્યવાન મહિલાઓ આગળવંતી છે ત્યારે આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે આવો જાણીએ તાપી જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે એક આગવી ઓળખ આપનાર અને દેશના સર્વોચ્ચ એવોર્ડમાંથી એક એવા પદ્મશ્રી એવોર્ડ માટે તાપી જિલ્લામાથી સૌપ્રથમ નામાંકિત થયેલ સેવાભાવી મહિલા-રમીલાબેન રાયસિંગ ગામીત.
તાપી જિલ્લાના મુખ્ય મથકથી 60 કી.મી દુર આવેલ ટાપરવાડા ગામ, સોનગઢ તાલુકાના રહેવાસી છે. સામાજીક ક્ષેત્રે રમીલાબેનના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલ છે. જે જિલ્લાના તમામ લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
સ્વભાવે સરળ અને ખુશમીજાજી રમીલાબહેન ધોરણ 10 સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. તેમના પતિ રાયસિંગભાઈ ગામીત પોસ્ટ્મેન છે. પરિવારમાં બે દિકરા અને દિકરી, એક પુત્રવધુ છે. રમીલાબહેને વર્ષ-૨૦૧૪થી સમાજીક પ્રવૃતિઓમાં સેવા આપવાની શરૂઆત કરી હતી. પોતાના ગામના સખીમંડળ “નેહા સખી મંડળ”ના પ્રમુખ તરીકે કામગીરી શરૂ કરી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના સ્વચ્છ ભારત મિશન સાથે જોડાઇ ગ્રામજનોને શૌચાલયના ઉપયોગનું મહત્વ સમજવતા એક સામુહિક સ્વચ્છતા ઝુંબેશ ગ્રામ્ય કક્ષાએ શરૂ કરાવ્યુ હતુ. આ ઝુંબેશ થકી શૌચાલય બાંધકામની તાલીમ પોતે લઈ સખી મંડળની બહેનોને પણ શૌચાલયના બાંધકામમાં જોડ્યા હતા. કામગીરી સાથે જોડાતા ગરીબ પરિવારની બહેનો આર્થીક રીતે સધ્ધર થઇ. મહદ અંશે અશિક્ષિત મહિલાઓને વ્યવસાય તો ઠીક રોજગારીય મળવી મુશ્કેલ હતી એવા સમયે રમીલા બહેનના પ્રયાસોના કારણે તમામ બહેનો સખીમંડળમાં જોડાઇ અને નાની મોટી રોજગારી કરી પગભર બની. જયારે પરિવારની સ્ત્રીઓ પગભર થાય છે ત્યારે સંપૂર્ણ પરિવારની દશા અને દિશા બદલાઇ જાય છે. પોતે આ પરિવારોમાં સુખાકારી આણવાનું માધ્યમ બનતા રમીલા બહેનમાં આત્મવિશ્વાસ વધ્યો અને વધારે ઉત્સાહથી કામો શરૂ કર્યા. સખી મંડળ દ્વારા તાપી જીલ્લાના સોનગઢ તાલુકા ખાતે સેનીટેશન માર્ટ શરૂ કરી આજુબાજુના નવ ગામોમાં શૌચાલયના બાંધકામનું બીડુ ઉપાડ્યું હતું. આ તમામ કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવાતા તા.૦૮-૦૩-૨૦૧૭ના ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે’ રમીલાબહેનને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે “મહિલા ચેમ્પીયન એવોર્ડ” પણ એનાયત થયેલ છે.
આ ઉપરાંત તેઓ પોતાના ગામના સુરક્ષા સમિતીના અધ્યક્ષ તરીકે નશાબંધી રોક્વા આગળવંતા પ્રયાસો થકી પોલીસ વિભાગને પણ મદદરૂપ થાય છે. તેમના દ્વારા વન વિભાગના વન સુરક્ષાના કામો પણ કરવામાં આવેલ છે.
જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના સહયોગથી સાચા લાભાર્થીઓને ઓળખી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિધવા સહાય, આઇસીડીએસ વિભાગ દ્વારા કુપોષિત બાળકોને દત્તક લઇ બાળકોને અનાજની કીટ, ફળફળાદી, બિસ્કીટનું વિતરણ, શાળાના કોટવાડીયા બાળકોને યુનિફોર્મ, બુટ, બેગનું વિતરણ, સોનગઢની બ્રધરન હાઇસ્કુલ, બોરપાડા, ટાપરવાડા પ્રાથમિક શાળા જેવી વિવિધ શાળાઓમાં બ્લેકબોર્ડ, આશ્રમશાળામાં ધાબડાનું વિતરણ પોતાના ખર્ચે અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કર્યું છે. નાતાલ, દિવાળી જેવા તહેવારોમાં અનાથ બાળકોને માટે કપડા અને વિધવા બહેનોને સાડીનું વિતરણ પોતાના ખર્ચે કરે છે.
કોરોના કાળમાં તાપી જિલ્લાથી લઇ છેક સાપુરાતાના અંતરિયાળ ગામોના ગરીબ આદિવાસી પરિવારોને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહકારથી નિ:શુલ્ક અનાજ વિતરણ કરાવ્યું છે.
રમીલા બહેન ગામની બહેનોને આર્થીક રીતે મદદગાર સાબિત થવાની સાથે તેઓની રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કર્યા છે. જેના પરીણામે ટાપરવાડા અને આસપાસના ગામોની મહિલાઓની ટીમ રસ્સા ખેંચ અને અન્ય રમતોમાં ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષા સુધી પ્રતિનિધિત્વ કર્યું છે.
સુખી અને સાધન સંપન્ન પરિવાર માટે આવી બાબતો કદાચ સામાન્ય લાગે પરંતું રમીલાબેન દ્વારા કરવામાં આવેલી નાની સહાય અનેક પરિવારો માટે જીવનને સરળ બનાવવા માટે મોટો ભાગ ભજવ્યો છે.
આ અંગે રમીલાબેન સાથે જિલ્લા માહિતી કચેરી તાપીની ટીમ સાથે થયેલી ચર્ચામાં તેઓએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને આત્મનિર્ભર બનાવવા સરકાર નકકર આયોજન અને પરિણામલક્ષી પગલા લઇ રહી છે. વિવિધ યોજનાઓને ગ્રામ્ય કક્ષાએ પહોચાડવા દરેક નાગરિક પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી સક્રિય ભાગીદારી નોંધાવવે એ જરૂરી છે. મે જયારે સમાજ સેવાની શરૂઆત કરી હતી ત્યારે મારા સમાજની બહેનોને મદદરૂપ થવાના વિચાર સાથે કામગીરી શરૂ કરી હતી. આ કામની કોઇ નોંધ લેશે કે અવોર્ડ મળશે એવો તો વિચાર શુધ્ધા ન આવ્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, પદ્મશ્રી માટે મારૂ નામ જાહેર થતા અનેક લોકોના એવા પણ ફોન આવ્યા કે તમે એવું તો શુ કામ કર્યું કે તમને આ એવોર્ડ મળ્યો? ત્યારે હું એ લોકોને કહેતી કે, સાચા દિલથી અન્યને મદદ કરશો તો કોઇને કોઇ ચોક્કસ તમારી નોંધ લે છે. કોઇની મદદ માટે પૈસાની નહી પરંતું પ્રેરણાને જરૂર હોય છે. એક પ્રેરણા માણસના સમગ્ર અભિગમને ધરમૂળથી બદલી નાખે છે. જો મને મળેલા આ એવોર્ડથી કોઇ અન્યને સમાજ સેવા કરવા પ્રેરિત કરશે, તો મને એવોર્ડ મેળવવા કરતા પણ વધારે ખુશી થશે.
દેશના સર્વોચ્ચ એવોર્ડ માટે નામાંકિત થયા બાદ પણ રમીલાબેન પોતાના કાર્યોમાંથી દિશાહિન થયા નથી. હાલ તેઓ સ્વછતાલક્ષી કામગીરીને આગળ ધપાવતાં ટાપરવાડા ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન અંગેનો પ્રોજેક્ટ અમલીકરણ માટેની કામગીરી હાથ ધરેલ છે. અલ્ટ્રાટ્રેક કંપની સાથે મળી પોતે કડીયા કામની તાલીમ લઇ અને આસપાસના ગામોની ૪૦૦થી વધુ બહેનોને કડીયા કામની તાલીમ અપાવી ચુક્યા છે. બહેનોને બ્યુટી પાર્લર, સિવણ ક્લાસ જેવા કામોમાં જોડી તેઓને અનેક મહિલાઓને આર્થીક સ્વાવલંબનનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. ઇ-શ્રમ કાર્ડ અને ઇ-નિર્મામ કાર્ડ માટે વિવિધ સ્થળોએ કેમ્પ યોજી લોકોની નોંધણી કરાવી રહ્યા છે.
આ અગાઉ રમીલા બહેનને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે “મહિલા ચેમ્પીયન એવોર્ડ” સિવાય, ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા “નારી તું નારાયણી એવોર્ડ” સહિત વિવિધ ૩૦થી વધુ સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી ખિતાબ જાહેર થતા તાપી જિલ્લાની યશકલગીમાં પદ્મશ્રી રમીલાબેન ગામીતે આપણા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
નારી શક્તિના સન્માન અને તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રખ્યાત છે ત્યારે રમીલા બહેન ગામીત જેવા અનેક મહિલાઓ ગુજરાત રાજ્યની આગવી ઓળખ બની અન્ય માટે પ્રેરણાત્મક મિશાલ કાયમ કરી રહ્યા છે: નારી શક્તિને શત શત નમન.