
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૨ અન્વયે કર્ટન રેઇઝ કાર્યક્રમ યોજાયો:
વ્યારા-તાપી: સમગ્ર રાજ્યમાં આજરોજ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ-૨૦૨૨ માટે ગ્રામ્ય કક્ષાથી લઇ રાજ્યકક્ષા સુધીના રમતવીરોના રજીસ્ટ્રેશનનો પ્રારંભ સમારોહ-કર્ટન રેઇઝ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે તાપી જિલ્લાના આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાની ઉપસ્થિતિમાં કર્ટન રેઇઝ કાર્યક્રમ યોજાયો હતો.
આ સમારંભમાં અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્યશ્રીમોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું હતું કે, ખેલમહાકુંભની ભેટ આપના ગુજરાતને તત્કલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમા ખેલ મહાકુંભની સફળતા બાદ સમગ્ર દેશમાં તેની શરૂઆત કરાવી હતી. કોરોનાના કપરા કાળ બાદ ૨ વર્ષ બાદ ફરી આ મહાકુંભની શરૂઆત થતા દરેક ખેલાડી માટે પોતાની પ્રતિભા સિધ્ધ કરવાનો આ અનેરો અવસર છે.
કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ થકી સરિતા ગાયકવાડ, મુરલી ગાવીત જેવા પ્રતિભા સંપન્ન ખેલાડીઓ દેશને મળ્યા છે જેઓએ ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે. તાપી જિલ્લાના યુવાનો ખડતલ અને શારીરીક રીતે મજબુત બાંધાના હોવાથી કોઇ પણ સ્પર્ધામાં અન્યને ટક્કર આપે તેવી ક્ષમતા ધરાવે છે. તેમણે દરેક ખેલાડીઓને કોઇ પણ સંકોચ વિના આ સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. તેમણે માતાપિતાઓને ખાસ સુચન કરતા જણાવ્યુ હતું કે, પોતાના બાળકોને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આપ સૌ બાળકોની ક્ષમતાને ઓળખી યોગ્ય પ્રોત્સાહન આપો તે જરૂરી છે. અંતે તેમણે તમામ શિક્ષકોને ગુરૂ દ્રોણ માફક શિષ્યની શક્તિઓને પારખી તેઓને મહેનત થકી લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવા ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લામાંથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય અને વધુમાં વધુ ખેલાડીઓ સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની પ્રતિભામાં વધારો કરવા માટે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે તાપી જિલ્લા રમત પ્રસિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ ચેતન પટેલે મહાનુભવોનું શાબ્દીક સ્વાગત કરતા જણાવ્યુ હતું કે, તાપી જિલ્લામાં ખેલમહાકુંભ થકી અનેક રમતવીરો રાષ્ટ્ર અને આંતર રાષ્ટ્રીય સ્તરે વિવિધ કક્ષાએ મેડલ મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તેમણે ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન પોર્ટલ અંગે જાણકારી આપી રમતવીરોને વિવિધ ૨૯ જેટલી રમતોમાં ભાગ લેવા અલગ-અલગ વય જૂથના ખેલાડીઓ વેબસાઇટ http://www.khelmahakumbh.gujarat.gov.in/ ઉપર પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
સમારંભમાં ખેલ મહાકુંભ-૨૦૨૨ રજીસ્ટ્રેશન કર્ટેન રેઇઝર પોર્ટલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યુ હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, રમતગમત ક્ષેત્રે છુપાયેલ પ્રતિભાઓ બહાર આવે અને દેશને સારા ખેલાડીઓ મળે તે ઉદ્દેશ્યથી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાને લઈને અટકી પડેલ ખેલ મહાકુંભ ફરી સરકારની સુચનાઓથી પ્રારંભ કરાતા સમગ્ર તાપી જિલ્લાના ખેલાડીઓમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજિત ૧૫૫ અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં અંદાજિત ૬૨૨ તથા ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમ મળીને કુલ- અંદાજિત ૭૨૮૦ માણસો ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન તાપી જિલ્લાના સિનિયર કોચ ચેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. તમામ ખેલાડીઓ/મહનુભાવો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, વ્યારા પ્રાંત આર.સી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા, ન.પા.પ્રમુખ સેજલ રાણા, કારોબારી અધ્યક્ષ મોહન કોકણી, બાંધકામ સમિતિ અધ્યક્ષ નિતિન ગામીત, કુલીન પ્રધાન, ડી.એલ.એસ.એસ. શાળાના ટ્રસ્ટી આયુશભાઇ, જિલ્લા રમત-ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, વ્યારા કોલેજના કોચ સંજય કોસાડા સહિત વિવિધ હોદ્દેદારો, વ્યાયામ શિક્ષકો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.