
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લાનાં સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “બ્લોક હેલ્થ મેળો” યોજાયો:
“બ્લોક હેલ્થ મેળા” માં અંદાજે ૪૬૩ વ્યક્તિઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો.
આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રવિદાસભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “બ્લોક હેલ્થ મેળા” ને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રવિદાસભાઇ વસાવા અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે ૫ જેટલાં લાભાર્થીઓને PMJAY યોજનાના કાર્ડ એનાયત કરાયાં હતાં. સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા બ્લોક હેલ્થ મેળામાં કાન, નાક અને ગળાના-૨૫, દાંતના-૩૯, આંખના-૭૦, ચામડીના-૫૬, હાડકાના-૯૩, સ્ત્રી રોગના-૩૮, ફિજીશીયનના-૫૦, PMJAY માં કાર્ડના-૬૭, બાળરોગના-૧૪, માનસિક રોગના-૧૧ અને ઇ-સંજીવની યોજનાના-૫૦ સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના કુલ-૪૬૩ જેટલાં દરદીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આરોગ્ય મેળામાં નિષ્ણાત તબીબો દ્વારા જરૂરી તબીબી સારવાર અને દવાઓનું વિતરણ કરાયું હતું. તેમજ ૧૭ જેટલાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન પણ કર્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રવિદાસભાઇ વસાવા સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ આરોગ્ય મેળા કેમ્પની મુલાકાત લઇ ઉપલબ્ધ તબીબી સેવાઓ વિશે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યશ્રી દિલીપભાઇ વસાવા, સાગબારા સરપંચશ્રી વીરસીંગભાઇ તડવી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જીજ્ઞેશ વસાવા, આરોગ્યકર્મીઓ અને આશાબહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.