શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નાંદોદના વાઘેથા ગામની ગ્રામ પંચાયત ખાતે આઠમાં તબક્કાનો “સેવા-સેતૂ” નો કાર્યક્રમ યોજાયો:
“સેવા-સેતૂ” માં એક જ છત્ર હેઠળ ૧૫ વિભાગોની ૫૬ જેટલી વિવિધ સરકારી યોજનાઓની કરાયેલી અલાયદી વ્યવસ્થા;
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય અને રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્યવ્યાપી હાથ ધરાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામની ગ્રામ પંચાયત ખાતે નાંદોદના મામલતદારશ્રી પી.એલ.ડિંડોર, વાઘેથા ગામના સરપંચ શ્રીમતી સોમીબેન વસાવા, ગામના આગેવાન શ્રી ઇન્દ્રવદનભાઇ વસાવા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં “સેવા-સેતૂ” કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
આઠમાં તબક્કામાં યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં સામાન્ય વહિવટ વિભાગ, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ, આદિજાતી વિકાસ, આરોગ્ય વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમીકલ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, જી.એસ.આર.ટી.સી,મહેસુલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શ્રમ અને રોજગાર વિભાગ સહિત કુલ-૧૫ જેટલા વિવિધ વિભાગો દ્વારા આધારકાર્ડ, પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સાત-બાર-આઠ-અ ના પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ માટે વારસાઇ અરજી, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય જેવી ૫૬ જેટલી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. આ સાથે પશુપાલન વિભાગ દ્વારા દવા વિતરણ અને પશુ સારવાર કેમ્પની સાથે વન વિભાગ દ્વારા વિવિધ વૃક્ષોનું વિતરણ પણ કરાયું હતું.
વાઘેથા ગામ ખાતે યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં નાંદોદના મામલતદારશ્રી પી.એલ. ડિંડોરે વિવિધ વિભાગોના ઉભા કરાયેલા સ્ટોલ્સની પણ મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં વીરપોર, ધોરીવાવ, મોટા હેંડવા, નાના હેંડવા, રાણીપરા, પ્રતાપપરા, રામપરા, રીંગણી, વાધેથા, ચિત્રોલ, મયાસી, તરોપા, ઢોલાર, કણપોર, ઘાંટા, લોઢણ અને અકુવાડા ગામોના લોકોએ સેવાસેતૂનો લાભ લીધો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં ૩૩૪૧ મળેલ અરજીઓ પૈકી તમામે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો છે.