
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમા આવેલ ચીંચલી ગામે ગ્રંથાલયનો શુભારંભ કરાયો ;
આહવા: પુસ્તકો થકી યુવાધન શિક્ષિત બને તેમજ સમાજના વ્યક્તિત્વ ઘડતરમા પુસ્તકો ઉપયોગી સાબિત થાય તે માટે ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમા આવેલ ચીંચલી ગામે યુવાઓ દ્વારા “આપણુ પુસ્તકાલય ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેદ્ર-ચીંચલી ” નો શુભારંભ કરવામા આવ્યો હતો.
ગ્રંથાલયના શુભારંભ પ્રંસગે ડાંગ જિલ્લા સદસ્ય શ્રી મધુભાઈએ જણાવ્યુ હતુ કે, આજનો યુવાધન વ્યસનમા પોતાની જિંદગીને વ્યર્થ બનાવી રાખે છે. પરંતુ કુટેવો છોડીને શિક્ષણ ક્ષેત્રમા પગરવ માંડે તે જરૂરી બની ગયુ છે. પુસ્તકાલયમા યુવાઓ પોતાનો સમય પસાર કરી સારા પુસ્તકોનુ વાંચન કરી પોતાના જીવનમા બદલાવ લાવી શકે છે.
તાલુકા સદસ્ય શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, આજે માહિતીના સ્ત્રોત ઘણા છે, પરંતુ સાચી માહિતી મેળવવા માટે યુવાઓએ પુસ્તકોનો ઉપયોગ કરવો જરૂરી છે. સાચી માહિતી સમાજ નિર્માણ માટે ઉપયોગી સાબિત થશે. તેમજ શિક્ષિત સમાજ હંમેશા પ્રગતિ કરી શકશે.
આ પ્રંસગે અતિથિ વિશેષ શ્રી પરિમલભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, યુવા ધનને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન પુરુ પાડવાની જરૂર છે. જેનાથી શિક્ષિત બેરોજગારોની સંખ્યામા ઘટાડો કરી રોજગારી મેળવવા તરફના પ્રયત્નો કરી શકાય. તેમજ આજના શેક્ષણિક માંગના આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટે વાંચન જરૂરી છે.
ચીંચલી ગામના યુવાઓ દ્વારા ગ્રામ પંચાયતના કમ્યુનીટી હોલમા શરૂ કરેલ ગ્રંથાલયમા શ્રી પરિમલ દેસાઈએ રૂ.45000 ના પુસ્તકો જે ગુજરાત જાહેર સેવા, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એકલવ્ય તેમજ નવોદયની શાળા પ્રવેશ માટેની પરીક્ષાઓ પાસ કરવા માટે જરૂરી પુસ્તકો માટે અનુદાન આપ્યુ છે.
ચીંચલી ગામે ગ્રંથાલયના શુભારંભ પ્રંસગે ડાંગ જિલ્લા ગ્રંથાલય શ્રી લાડ, તાલુકા સદસ્ય શ્રી વિજયભાઈ ચૌધરી, ગામના આગેવાનો શ્રી હીરામણભાઈ સાબળે, શ્રી સુરેશભાઈ સાબળે, શ્રી મુકેશભાઈ પવાર, શ્રી મનોજભાઈ ચૌધરી, ચીંચલી એકલવ્ય શાળાના શિક્ષકો, વિદ્યાર્થી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.