
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે નેચરલ ફાર્મીંગ વર્કશોપ અને કિસાન મેળો યોજાયો.
વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતાઃ- કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા
તાપી, વ્યારા: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારા ખાતે આજરોજ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને નેચરલ ફાર્મીંગ વર્કશોપ અને કિસાન મેળો યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સીટી, વ્યારાના પટાંગણમાં આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગ, પશુપાલન, જિલ્લા ખેતીવાડી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૭૫ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. કૃષિ વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સરકારશ્રીની યોજનાકીય જાણકારી આપી હતી.તાપી જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને મહાનુભાવોએ સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા આઝાદી કા અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે લોકોની ભાગીદારી સાથે સરકારની યોજનાકીય વાતો તમામ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણે પરંપરાગત ખેતીને સુભાષ પાલેકર પધ્ધતિ સાથે અપનાવીએ અને ઓર્ગેનિક નેચરલ ફાર્મીંગ તરફ આગળ વધવાનું છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ગુણવત્તાસભર પાક મેળવવાનો છે. તાપી જિલ્લાની ખેતીને સુદ્રઢ બનાવીએ. વેલ્યુ એડીશન કરી આવક વધારવા ઉપસ્થિત ખેડૂતોને કલેકટરશ્રી વઢવાણિયાએ અનુરોધ કર્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.સી.ડી.પંડ્યાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માટે સરકારશ્રી દ્વારા ભાર મુકવામાં આવ્યો છે. એ ખેડૂતોના સહકારથી જ કરવાનું છે. સમગ્ર ભારતમાં ૭૩૧ કેન્દ્રો ઉપર ખેડૂતો માટે ૨૫ થી ૩૦ એપ્રિલ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતલક્ષી મેળાઓ,સેમીનાર યોજાશે ખેડૂતોની પણ એક જવાબદારી છે. દરેક ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કૃષિ વૈજ્ઞાનિક ડો.કેદારનાથે ખેડૂતોને આર્યન, ઝિંક તેમજ પાકોમાં રહેલા પોષક તત્વો તેમજ ફૂડ ફોર્ટીફિકેશન વિશે માહિતી આપી હતી. વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૫ જેટલા સ્ટોલ ઉપર ખેડૂતોને ઉપયોગી યોજનાકીય જાણકારી આપવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ૫ જેટલા ખેડૂતોએ પણ પોતાની પાક પેદાશોનું નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગરથી શ્રી આર.આર.ભગોરા, પોલીટેકનીક પ્રિન્સિપાલ શ્રી એન.એમ.ચૌહાણ, બાગાયત નિયામક શ્રી તુષાર ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચેતન ગરાસીયા, પશુપાલન નિયામક ડો. બ્રિજેશ શાહ, આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી એ.કે.પટેલ, કામધેનુ યુનિવર્સીટી પ્રા.ડો.સ્મીત લેન્ડે સહિત વૈજ્ઞાનિકો ,ખેડૂતો, ગ્રામસેવકો, આત્મા ફાર્મર ફ્રેન્ડસ ઉપસ્થિત રહ્યા હતા.