
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગુજરાત CSR પ્રવૃત્તિ હેઠળ GETCO દ્વારા અંદાજે રૂપિયા ૭૫ લાખના ખર્ચે ત્રણ જેટલી “બેઝિક લાઈફ સપોર્ટ” એમ્બ્યુલન્સ વાનની નર્મદા જિલ્લાને ભેટ:
નવી એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ થવાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનોને ઝડપી અને અસરકારક આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે :- જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે ત્રણેય એમબ્યુલન્સને લીલી ઝંડી આપી આરોગ્ય કેન્દ્રો માટે કરાયું લોકાર્પણ:
નર્મદા, રાજપીપલા: એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ અનેકવિધ પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં અમલમાં મુકાયા છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી અને પછાત લોકોની આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બનાવી જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટેના જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ફલ સ્વરૂપે CSR એક્ટિવીટી અંતર્ગત અંદાજે રૂા.૭૫ લાખના ખર્ચે ત્રણ જેટલી “બેઝિક લાઈફ સપોર્ટ” એમ્બ્યુલન્સ વાન GETCO ના CSR હેઠળ એમ્બ્યુલન્સ મળતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે તા.૨૯ મી જૂન,૨૦૨૨ ને બુધવારના રોજ જિલ્લા પંચાયત કચેરી સંકુલમાંથી લીલી ઝંડી આપી ત્રણેય એમ્બ્યુલન્સ વાનને તિલકવાડા અને સાગબારા તાલુકા માટે લોકાર્પણ કરાયા બાદ જે તે વિસ્તાર માટે પ્રસ્થાન કરાવાયું હતું.
નર્મદા જિલ્લા માટે ગુજરાત CSR (GETCO) ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલી નવીન ત્રણ એમ્બ્યુલન્સ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સુખાકારી માટે તિલકવાડા તાલુકાના બુંજેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે, તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ એમ્બ્યુલન્સ વાનનું નિરીક્ષણ કરી તેમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગેની જાણકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી મેળવી હતી.
આ સંદર્ભે માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આ નવી એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ થવાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનોને ઝડપી અને અસરકારક આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે. જિલ્લામાં સીએસઆર (CSR) ફંડ હેઠળ અંદાજે રૂપિયા ૨૫ લાખની એક એમ્બ્યુલન્સ એમ કુલ રૂા. ૭૫ લાખના ખર્ચે GETCO દ્વારા ત્રણ એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે. જે આજથી તેમને ફાળવાયેલા આરોગ્ય કેન્દ્રો પરથી સ્થાનિક લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા માટે જિલ્લાકક્ષાએથી રવાના કરવામાં આવી છે.
આ એમ્બ્યુલન્સ વાન અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, CSR ફંડ હેઠળ જિલ્લાને પ્રાપ્ત થયેલી આ ત્રણેય એમ્બ્યુલન્સ અત્યાધુનિક ટેકનોલોજી તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓથી સજ્જ છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ ઘણી મોટી રાહત આપશે. આરોગ્યલક્ષી ગંભીર બિમારી કે ઇમરજન્સીમાં આ એમ્બ્યુલન્સ દર્દીને સમયસર યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવા સક્ષમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેઝિક લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ સાથેની આ એમ્બયુલન્સ વાન દરદીને ઇમર્જન્સીમાં પણ સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. એમ્બ્યુલન્સની ખાસીયતો તરફ નજર કરીએ તો આ એમ્બ્યુલન્સમાં બે એક્સ્ટ્રા સ્ટ્રેચર, વ્હીલ સ્ચટ્રેચર, ઓક્સિજન, દવાની કીટ, નર્સ અને દર્દીના સગાને બેસવા માટેની એક્સ્ટ્રા સીટ તેમજ એરકન્ડીશનર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે.
આ લોકાર્પણ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. અનિલભાઈ વસાવા, આર.સી.એચ.ઓ.શ્રી ડો. મુકેશભાઈ પટેલ, જિલ્લા એપેડેમિક ઓફિસરશ્રી ડો. આર.એસ. કશ્યપ, જિલ્લા પંચાયતના અન્ય અધિકારીશ્રીઓ, આરોગ્ય કર્મચારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.