શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નલીનકુમાર
રાજયમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ: રંગોત્સવ અને ધૂળેટીની ઉજવણીથી નાગરિકોને દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અપીલ
પ્રાથમિક તબક્કાના લક્ષણો ધરાવતા કોરોના કેસ આવતા હોવાથી ઘબરાવવાની જરૂર નથી,રાજય સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ:
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ માર્ચ મહિનામાં આવી રહેલ હોળીના તહેવાર પર નાગરિકોને વિધિવત રીતે હોળી પ્રગટાવવા પર મર્યાદિત સંખ્યામાં છૂટ આપવામાં આવી છે. તેના પર રાજય સરકાર દ્વારા કોઇપણ જાતનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. હોળીના દિવસે કે ત્યારબાદ ધૂળેટીના દિવસે લોકોની સલામતીને ધ્યાને રાખીને રંગોત્સવ અને ધૂળેટીની ઉજવણીથી દૂર રહેવા રાજયના નાગરિકોને તેમણે અપીલ કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતીને ધ્યાને લઇને જનહિતમાં આ નિર્ણય લેવાયો હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતુ. આ મનાઇ નો ઉલ્લંધન કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
હાલ દેશના ઘણાંય રાજ્યમાં કોરોના ફરીથી વકર્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના સામે લડવાની સમગ્ર તૈયારી હોવાનું શ્રી નીતિનભાઇ પટેલે જણાવી કહ્યું કે , કોરોનાની પ્રથમ પીક કરતા હાલ આવી રહેલા કોરોનાના કેસ સામાન્ય લક્ષણો સાથેના જણાઇ આવે છે. જેથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરથી રાખવા અને સરકારી તમામ દિશાનિર્દેશોનો પાલન કરવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતુ.
હાલ આવતા કેસોમાં પ્રાથમિક તબક્કાના લક્ષણો ઘરાવતા દર્દીઓ આવી રહ્યા હોવાનું જણાવી શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં હાલની અવસ્થાએ પણ તમામ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા છે. રાજ્યમાં કોરોનાની સારવાર લઇને સાજા થઇ રહેલા દર્દીઓનું પ્રમાણ પણ વધ્યુ છે. જેથી ગભરાવવા જેવી કોઇપણ પરસ્થિતી સર્જાઇ ન હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતુ.