
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને દેડીયાપાડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે “બ્લોક હેલ્થ મેળો” યોજાયો:
દેડીયાપાડા ખાતે યોજાયેલા “બ્લોક હેલ્થ મેળા” માં અંદાજે ૫૪૮ વ્યક્તિઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો.
આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને દેડીયાપાડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે “બ્લોક હેલ્થ મેળા” ને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાના મુખ્ય મથકો પર બ્લોક હેલ્થ આરોગ્ય મેળાઓનું આયોજન કરીને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ આપીને એક આગવી પહેલ કરવાની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ મેળાઓ ખૂબ જ આશિર્વાદ રૂપ બની રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતુ કે, એક જ સ્થળેથી નિષ્ણાત તબીબો દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. જેનાથી જરૂરીયાતમંદ દરદીઓને સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થઈ રહી હોવાથી લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ આયુષ્યમાન કાર્ડ, નિરામય ગુજરાત, ઈ-સંજીવની યોજના સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ આદિવાસી જિલ્લા માટે ખૂબ જ લાભદાયી બની રહી છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ સાકાર કરવાની દિશામાં સરકારે આવકારદાયક નિર્ણય લીધો છે. ત્યારે જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોને પણ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળે તે માટે નર્મદા જિલ્લામાં પણ મેડિકલ કોલેજ મંજૂર કરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઇ-સંજીવની એપના માધ્યમથી ગામડાના દરદીઓને પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, ત્યારે આ આરોગ્યલક્ષી યોજનાઓનો વિપુલ પ્રમાણમાં લાભ લેવા શ્રીમતી વસાવાએ અપીલ કરી હતી.
દેડીયાપાડા ખાતે નવનિર્માણ પામેલ હોસ્પિટલને ખૂબ જ ઝડપથી કાર્યાન્વિત કરાશે જેથી આરોગ્ય ક્ષેત્રમાં વધુ સુલભ સુવિધાઓ પ્રાપ્ત થશે તેવો દ્રઢ વિશ્વાસ શ્રીમતી વસાવાએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિહ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે. પી. પટેલે સરકારશ્રી દ્વારા અમલી આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે યોજાયેલા બ્લોક હેલ્થ મેળામાં કાન, નાક અને ગળાના-૪૨, દાંતના-૩૨, આંખના-૩૫, ચામડીના-૪૦, હાડકાના-૧૭, સ્ત્રી રોગના-૪૭, ફિજીશીયનના-૧૬૦, PMJAY માં કાર્ડના-૨૭ અને ઇ-સંજીવની યોજનાના-૪૪ સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના કુલ-૫૪૮ જેટલાં દરદીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આરોગ્ય મેળામાં નિષ્ણાત તબીબો દ્વારા જરૂરી તબીબી સારવાર અને દવાઓનું વિતરણ કરાયું હતું. તેમજ ૨૮ જેટલાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન પણ કર્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ આરોગ્ય મેળા કેમ્પની મુલાકાત લઇ ઉપલબ્ધ તબીબી સેવાઓ વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી સોમભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી માધેસિંહભાઇ તડવી, દેડીયાપાડાના સરપંચ શ્રીમતી વર્ષાબેન વસાવા, ઈન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મેહુલભાઈ નકુમ, આરોગ્યકર્મીઓ અને આશાબહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.