
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ફેક ન્યૂઝ પર કેન્દ્ર સરકારની મોટી ‘ડિજિટલ સ્ટ્રાઈક’, 120થી વધુ યુટ્યુબ ચેનલો બ્લોક:
નવી દિલ્હીઃ હાલ ડિજીટલ યુગમાં સમાચારો મનુષ્યના આંગળીનાં ટેરવા પર ક્લિક માત્ર કરવાથી ઉપલબ્ધ થયા છે, આ સાથે યુટ્યુબ પર તથા વેબસાઇટ પર ફેક ન્યુઝનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં ઘણી બધી ફેક ન્યુઝ આપણને જોવા મળતી હોય છે. તેથી કઈ માહિતી પર વિશ્વાસ કરવો અને કઈ માહિતી પર ન કરવો તે જાણવું ઘણુંજ અઘરું બની જતું હોય છે. અને આજના સમયમાં યુટ્યુબ પર ટ્રાફિક વધારવા અને વધુ કમાણી કરવા માટે, ક્લિકબેટ અને સનસનાટીભર્યા ખોટા થંબનેલ્સનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે.
આ કારણે ફેક ન્યૂઝથી થતી ગેરકાયદેસર કમાણીને ગંભીર ચિંતાનો વિષય ગણીને ભારત સરકારે તેની સામે ફરી એકવાર મોટી સ્ટ્રાઈક શરૂ કરી છે.
યુટ્યુબ પર ફેક ન્યૂઝથી સરકાર ચિંતિત હતી:
કેન્દ્ર સરકારે અગાઉ પણ નકલી સમાચારોથી કમાણી સંબંધિત ચિંતાઓને ગંભીરતાથી લેતા યુટ્યુબ ને કાર્યવાહી માટે સૂચિબદ્ધ કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં એટલે કે ડિસેમ્બર 2022થી અત્યાર સુધીમાં, PIBએ આવી 26 YouTube ચેનલોનો પર્દાફાશ કર્યો છે જે નિયમિતપણે ખોટી માહિતી અને સમાચાર પ્રકાશિત કરે છે.
તમને જણાવી દઈએ કે સરકાર ફેક ન્યૂઝને લઇને ઘણી સતર્ક થઇ ગઇ છે. અગાઉ પણ ડીપ ફેક ને લઈ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી હતી ત્યારે હવે સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહી છે. યુવાનો, વિદ્યાર્થીઓ, સમાજ અને સમુદાયને ગેરમાર્ગે દોરતી અને ઉશ્કેરતી સામગ્રી આપતા સમાચારો માધ્યમ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલીવાર નથી, આ પહેલા પણ સરકારે ફેક, ભ્રમાંક ન્યૂઝ ફેલાવતી ઘણી યુટ્યુબ ચેનલો અને વેબ સાઇટ (પોર્ટલ) ને બ્લોક કરી ચુકી છે.
આ પછી, હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2022 ની જોગવાઈઓ હેઠળ કુલ 120 થી વધુ YouTube ચેનલો, વેબ સાઈટ (પોર્ટલ)ને અવરોધિત કરવામાં આવી છે.