
ગ્રામીણ ટુડે ન્યૂઝ,વેબ ટીમ
ગાંધીનગર : આગામી તહેવાર નાતાલને ધ્યાને રાખી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તૈયાર કરેલી SOPની જાહેરાત કરી હતી. જેમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે રાજ્ય સરકારે માનવીના મહામૂલા જીવનને બચાવવા સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના કારણે આપણે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શક્યા છીએ. આગામી સમયમાં નાતાલ અને નવા વર્ષના તહેવાર આવતા હોવાંથી કોરોનાને ધ્યાને રાખી તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઇ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા નહીં યોજી શકાય.
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ‘રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ SOPનો ચુસ્તપણે અમલ કરાશે. આ અંગે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી દેવાઇ છે. તહેવારોની ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમો સંદર્ભે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા તા. 30/09/2020ના હુકમો તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના તા. 09/10/2020ના હુકમોથી તહેવારોની ઉજવણી તેમજ ધાર્મિક કાર્યક્રમો અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ સૂચનાઓનું અમલીકરણ આગામી સમયમાં આવનારા તહેવારો જેવાં કે નાતાલની ઉજવણી તેમજ નવા વર્ષની ઉજવણી મામલે પણ કરાશે. જેમાં ચર્ચ / પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના 50 ટકા અથવા 200 વ્યક્તિઓ બે માંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે. તદુપરાંત તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઇ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા નહીં નીકાળી શકાય.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ‘કોવિડ – 19 સંદર્ભે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યાં છે. એમાં જે જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગાં થતા હોય, તેવાં સ્થળો જેવાં કે શાક માર્કેટ, જથ્થાબંધ વેપાર તથા હરાજીના સ્થળો, ખાણીપીણીના સ્થાનો, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓએ Covid-19 સંબંધીત સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે વધારાના પોલીસ દળને તૈનાત કરવામાં આવશે.
ઉપરાંત જાહેર સ્થળોએ કોઇ પણ પ્રકારની ઉજવણી કે વધારે લોકો એકત્ર થાય તેવાં પ્રસંગો અંગે સ્થાનિક વહીવટી તંત્રએ ખાસ કિસ્સા સિવાય મંજૂરી આપવાની રહેશે નહીં. એમાંય જો અનિવાર્ય સંજોગોમાં મંજૂરી આપી હોય, તો તે પ્રસંગો દરમિયાન કોવિડ -19 અંતર્ગત સૂચનાઓનું ચુસ્તપણે અમલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ ઉપરાંત માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવશે. જેથી કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય.
આ સિવાય ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ‘જ્યારથી રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો, ત્યારથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષ પદે કોર કમિટીની રચના કરીને દરરોજ ચર્ચા-વિચારણા બાદ સંક્રમણને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં જેના કારણે આ સફળતા હાંસલ થઇ છે.