શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા
દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઈ;
ચૂંટણી અધિકારીશ્રીની આનંદ ઉકાણી દ્વારા પ્રિસાઇડીંગ- આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને તાલીમ આપી;
નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમના આયોજન અંતર્ગત ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણીની રાહબરી હેઠળ સરકારી મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-દેડિયાપાડા ખાતે યોજાયેલા દ્વિ-દિવસીય તાલીમ વર્ગમાં ૩૪૦-પ્રિસાઈડિંગ ઓફિસર, ૩૪૦-આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, ૭૩-પુરૂષ પોલિંગ ઓફિસર અને ૬૦૦-મહિલા પોલિંગ ઓફિસર સહિત કુલ-૧૩૫૩ જેટલા અધિકારીઓ-કર્મચારીઓને આવરી લેવાયા હતા.
દેડિયાપાડા ખાતે ચૂંટણી અધિકારીશ્રી આનંદ ઉકાણી, દેડિયાપાડાના મામલતદારશ્રી એસ.વી. વિરોલા, સાગબારાના મામલતદારશ્રી એસ.વી. ભામરોલીયાની ઉપસ્થિતિમાં દેડિયાપાડાની સરકારી મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે જુદા જુદા-૬ જેટલા વર્ગખંડમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અને સમજની સાથોસાથ ચૂંટણીલક્ષી કામગીરી સબબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.
પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતના અધિકારીઓ- કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે ઝોનલ ઓફિસરને જરૂરી કાળજી રાખવાની બાબતો ઉપરાંત મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.
૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા(અ.જ.જા)ની ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની તાલીમ બે દિવસ માટે સરકારી મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દેડિયાપાડા ખાતે રાખવામાં આવી હતી. જેમાં પોલિંગ ઓફિસર, પ્રિસાઈડિંગ ઓફિસરને ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી છે. વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થનારા કર્મચારીઓને આ તાલીમ અપાઈ છે. જેથી વિધાનસભાની સામાન્ય ચૂંટણી સરળતાથી અને સારી રીતે પાર પાડી શકાય. માત્ર એટલું જ નહીં પણ આ તાલીમ દરમિયાન કોઈપણ અધિકારી-કર્મચારીને ચૂંટણીલક્ષી કામગીરીની કોઈપણ મુશ્કેલી હોય અને વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હોય તેવા અધિકારીઓ-કર્મચારીઓ માટે ૨૬મી નવેમ્બર, શનિવારના રોજ વધુ એક તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.